દેશમાં 10 વર્ષમાં બેરોજગારીનો દર 4.0થી ઘટીને 3.2 નોંધાયો

દેશમાં બેરોજગારીનો દર ગત દસ વર્ષમાં 4.0થી ઘટીને ગત વર્ષે 3.2 થયો છે. લોકસભામાં પ્રશ્નોના ઉત્તરમાં જારી કરાયેલી વિગત મૂજબ સૌથી વધુ બેકારી દર આ દાયકામાં ઈ.સ. 2017-18માં 6.0 એ પહોંચ્યો હતો. આ સાથે વર્કર પોપ્યુલેશન રેશિયો પણ જારી કરાયો છે જે 51 ટકાથી વધીને હાલ 56 ટકા થયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે 2010-11થી 2016-17 સુધી લેબર મિનિસ્ટ્રીના લેબર બ્યુરો દ્વારા અને ઈ. 2017-2018થી આંકડાશાસ્ત્ર મંત્રાલય દ્વારા લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) કરવામાં આવે છે. સર્વેના પરિણામના તારણો કાઢતા કોરોના કાળ 2020-1` અને 2021-22માં 4.2 અને 4.1 બેકારી દર હતો જેના કરતા વધુ બેકારી દર 2017-18 માં 6.0 અને 2018-19માં 5.8 અને 2019-20માં 4.8 રહ્યો છે.

દેશભરના રાજ્યો,કેન્દ્ર શાસિત  પ્રદેશોની રોજગાર કચેરીમાં  ઈ.સ. 2022 દરમિયાન 25 લાખ પુરૂષો અને 15 લાખ સ્ત્રી સહિત 40 લાખ નોકરીવાંચ્છુઓ (સરકારના મતે તેમાં બેરોજગાર અને રોજગાર મેળવનારા બન્ને છે) નોંધાયા હતા. આ વર્ષમાં 6.45 લાખને રોજગાર કચેરી મારફત પ્લેસમેન્ટ અપાયું છે જેમાં આશ્ચર્યની વાત એ છે કે આ પૈકી 2.75 લાખ માત્ર ગુજરાતના અને 2.49 લાખ મહારાષ્ટ્રના છે. જ્યારે આસામ, છત્તીસગઢ, દિલ્હી, પૂર્વોત્તર રાજ્યો, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાં આ સંખ્યા ઝીરો દર્શાવાઈ છે.

Leave a comment