કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ભારતમાં ઘૂસ્યો

ભારતમાં કોવિડ-19ના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. કેરળમાં કોવિડ JN.1નો નવો પેટા વેરિયન્ટ મળ્યો છે, જેના કારણે એક જ દિવસમાં કેરળમાં ચાર લોકોનાં અને યુપીમાં એકનું મોત થયું છે. યુપીમાં કોવિડ પોઝિટિવ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે ભારતમાં 335 નવા COVID-19 કેસ નોંધાયા છે અને સક્રિય કેસોની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે.

કર્ણાટક સરકારે સબ-વેરિયન્ટ JN.1 અંગે ચેતવણી જારી કરી છે. કર્ણાટક સરકારે એલર્ટ જારી કરીને ચેતવણી આપી છે કે વૃદ્ધોએ ખાસ માસ્ક પહેરવું. જ્યારે કેરળમાં સ્વાસ્થ્યમંત્રી વીણા જ્યોર્જે કહ્યું- ચિંતા કરવાની જરૂર નથી. અમે સતત નજર રાખી રહ્યાં છીએ.

ભારતમાં નવો વેરિયન્ટ ક્યાંથી આવ્યો?

ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલના જણાવ્યા અનુસાર, આ મામલો 8 ડિસેમ્બરે કેરળના તિરુવનંતપુરમમાં પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે 79 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીનાં હળવાં લક્ષણો હતાં અને જોકે બાદમાં કોવિડ-19માંથી સાજાં થઈ ગયાં હતાં.

દેશમાં કોરોનાને કારણે અત્યારસુધીમાં પાંચ લાખ લોકોનાં મોત થયાં છે

દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 4.50 કરોડને વટાવી ગઈ છે. તો વાઇરસથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.46 કરોડ (4,44,69,799) થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં રિકવરી રેટ 98.81 ટકા છે. ભારતમાં કોવિડ-19ને કારણે અત્યારસુધીમાં 5,33,316 લોકોનાં મોત થયાં છે.

સિંગાપોરમાં એક સપ્તાહમાં 56,000થી વધુ કોરોના કેસ સિંગાપોરમાં છેલ્લા એક સપ્તાહમાં 56,000થી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે તમામ નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 3થી 9 ડિસેમ્બરની વચ્ચે 56,043 નવા કેસ મળ્યા હતા, જ્યારે એના એક અઠવાડિયા પહેલાં કોવિડના 32,035 કેસ હતા.

Leave a comment