~ બે તબક્કામાં કુલ ૧૮૮૨ શિક્ષકો થયા તાલીમબદ્ધ
~ અંતરિયાળ અને ગ્રામ વિસ્તાર માટે CPR તાલીમ આશીર્વાદરૂપ બનશે
અદાણી મેડિકલ કોલેજમાં કચ્છ જિલ્લા શિક્ષણ અને આરોગ્ય વિભાગ આયોજિત પ્રાથમિક, માધ્ય મિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને CPR તાલીમ આપવાના કાર્યક્રમ અંતર્ગત ૯૫૧ શિક્ષકો તાલીમબધ્ધ થયા હતા.
ઉપસ્થિત શિક્ષક તાલીમાર્થીઓને ઉદ્બબોધન કરતા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તંત્ર અને તબીબોનો તાલીમ માટે આભાર માનતા કહ્યું કે,એકાએક સર્જાતી કાર્ડિયાક એરેસ્ટની પરિસ્થિતિમાં શિક્ષકોની આ તાલીમ શહેરો ઉપરાંત અંતરિયાળ પંથક અને ગ્રામ વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થશે.
પ્રારંભમાં જી.કે.ના મેડિકલ એડમિન હેડ ડો.સ્વપ્નિલ સાંઈખેડકરે પ્રસંગ પરિચય આપ્યો હતો.ડો. હેમાલી ચંદેએ CPRનું મહત્વ સમજાવ્યું હતું.જ્યારે મેડિસીન વિભાગના ડો.મોહિની દત્રાણીયાએ પ્રેઝન્ટેશન દ્વારા CPR ક્યારે, કેવી રીતે,કેવા સંજોગોમાં કરવા ઉપરાંત તમામ જરૂરી બાબતથી શિક્ષકોને વાકેફ કર્યા હતા.
તમામ શિક્ષકોની ચોક્કસ સંખ્યાની બેચ બનાવી જી.કે.ના રેસિ.ડોક્ટરોએ તાલીમ આપી હતી અને વ્યક્તિનું હૃદય અચાનક બંધ પડી જાય તથા વ્યક્તિ ફસડાઈ પડે તો હાથ દ્વારા હૃદયને ધબકતું કરી કેમ પુનર્જીવન આપી શકાય તેનું નિદર્શન આપ્યું હતું.
શિક્ષણ વિભાગ તરફથી કાર્યક્રમના નોડલ ઓફિસર શિવુભા ભાટીએ સંચાલન કર્યું હતું.કેળવણી નિરીક્ષક વિનોદભાઈ પરમાર,સહાયક કેળવણી નિરીક્ષક ડો.અશ્વિનસિંહ વાઘેલા,પરેશ અજાણી, દિપીકાબેન પંડ્યા ઉપરાંત પૃથ્વીરાજસિંહ ઝાલા,અર્ચનાબેન વાસાણી અને દિવ્યરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.
આ અગાઉ પ્રથમ તબ્બકામાં ૯૩૧ તાલીમાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા.જેમને તાલીમ આપવા ડો.પૂજા ફુમાકિયા,ડો.ખ્યાતિ મકવાણા,ડો.જયંતિ સથવારા અને ભૂમિ હિરાણી જોડાયા હતા.આમ અત્રે બે તબક્કામાં યોજાયેલી તાલીમમાં કુલ ૧૮૮૨ શિક્ષકોએ CPRની તાલીમ લીધી હતી.જી.કે.ના ડો. જુનેદે વ્યવસ્થા સંભાળી હતી.
