જી. કે. જન અદાણી હોસ્પિ.ના ગાયનેક,સર્જરી અને એનેસ્થેસિયા નિષ્ણાતોનું સંયુક્ત ઑપરેશન

~ સાવચેતી રૂપે કેન્સરના ફેલાવાની સંભવિત અસરને ધ્યાનમાં લઈ ગર્ભાશય, નળી અને અંડાશય તથા એપેન્ડિક્ષનું પણ ઑપરેશન કર્યું

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં ગાયનેક,સર્જરી અને એનેસ્થેસિયાના નિષ્ણાત તબીબોએ શ્રમિક મહિલાના ગર્ભાશયમાંથી ૪ કી.ગ્રા.વજનની કેન્સરની ગાંઠનું સંયુક્ત ઓપરેશન કરી મહિલાને જીવતદાન આપ્યું.

ઑપરેશન બાદ સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ.ઋષિકેશ સુરાણીએ જણાવ્યું હતું કે,રાધનપુરની ૩૬ વર્ષીય મહિલા પેટમાં સતત લાંબા સમયથી દુખાવાની પરેશાની સાથે હોસ્પિલમાં સારવાર માટે આવતા તેના દર્દની પરિસ્થિતિ જોઈ દાખલ કરી સિટી સ્કેન અને ટયુમર માર્કર બ્લડ ટેસ્ટ કરાવતા આશ્ચર્ય વચ્ચે અંડાશય કેન્સર ગાંઠનું નિદાન થયું.

મહિલાની સ્થિતિ જોતાં જાણવા મળ્યું કે,લગભગ એકાદ વર્ષથી દુખાવો હતો.જુદા જુદા નગરમાં શ્રમ કરી પેટિયું રળવાની સાથે અનેક દવાખાનાની મુલાકાત લીધી પણ કોઈ સકારાત્મક પ્રતિસાદ નહોતો મળતો ત્યારે જી.કે.માં પેટની બીમારીની સારવાર લેવાનું નક્કી કર્યું અને આ કેન્સરની ગાંઠનું નિદાન થયું અને સારવાર  મળી.

અંડાશયની ગાંઠ વધીને ડૂંટી(એમ્બિલિક્સ)ઉપર આવી ગઈ હોવાથી નિષ્ણાત સર્જનોની મદદ  જરૂરી હોવાથી તેમના સહકારથી ૩ કલાકની મહેનત બાદ અંડાશય ગાંઠ કાઢવામાં સફળતા મળી.આ શસ્ત્રક્રિયામાં એનેસ્થેસિયા વિભાગની ભૂમિકા પણ મહત્વની હતી.

તબીબોએ સાવચેતી અને દીર્ઘ દૃષ્ટિ રાખી અંડાશય કેન્સર ગાંઠની આજુબાજુ પણ કેન્સરના ફેલાવાની સંભવિત અસરને ધ્યાનમાં લઈ ગર્ભાશય, નળી અને અંડાશય તથા એપેન્ડિક્ષનું પણ ઑપરેશન કર્યું.આ ઉપરાંત આંતરડા ઉપરના કેટલાક લેયર પણ કેન્સરની શક્યતાને ધ્યાનમાં લઈ દૂર કરવામાં આવ્યા.આ ઓપરેશનમાં સૌથી મહત્વની બાબત કહી શકાય તેવી આ અંગ સાથે જોડતી હૃદયની મુખ્ય નળી ઓર્ટાની આસપાસ ચરબીની ગાંઠમાં પણ કેન્સરના સેલ હોઈ શકે તેવા અનુમાનને પગલે તેના સેમ્પલ લઈ કેન્સરની ચકાસણી માટે મોકલી આપ્યા, જેથી  તે મુજબ સારવાર કરી શકાય એમ સર્જન ડો.આદિત્ય ડી.પટેલે જણાવ્યું હતું.

આ ઓપરેશનમાં ડો.વિનોદ મકવાણા,ડો.વિન્સી ગાંધી, સર્જરી વિભાગના ડો.નરેન્દ્ર ચૌધરી અને એનેસ્થેટિક ડો.ખ્યાતિ મકવાણા ડો. યાશ્વી તેમજ ડો.ચિરાગ વિગેરે જોડાયા હતા.

Leave a comment