છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ નવા મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી તરીકે મોહન યાદવ (Mohan Yadav)ના નામ પર મહોર મારી દેવાઈ છે, તો વિધાનસભા અધ્યક્ષ તરીકે નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)નું નામ ફાઈનલ કરાયું છે, જ્યારે રાજ્યમાં 2 નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરાઈ છે, જેમાં રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડાને જવાબદારી સોંપાઈ છે. BJPના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે.
મધ્યપ્રદેશમાં ભાજપની પ્રચંડ જીત
મધ્યપ્રદેશમાં 3 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું હતું, જોકે 8 દિવસ બાદ આ નામોની જાહેરા કરવાની સાથે CM પદને લઈ ચાલી રહેલા સસ્પેન્ડનો અંત આવ્યો છે. અગાઉ રાજ્યના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર કહેવાતા શિવરાજ સિંહ ચૌહાણનું નામ ચર્ચાતું હતું, જોકે હવે રાજ્યમાં મુખ્યમંત્રી પદની જવાબદારી મોહન યાદવને સોંપાઈ છે. મધ્યપ્રદેશમાં ભાજપે 163 બેઠકો જીતી છે, જ્યારે કમલનાથ સામે ચૂંટણી લડી રહેલી કોંગ્રેસે માત્ર 66 બેઠકો પર જીતી છે.
