દંપતીને ગર્ભાધાન થયા પછી જો ગર્ભને ગુમાવવાનો વારો આવે તો મોટી નિરાશા સાંપડે છે તો બીજી તરફ સ્ત્રીરોગ નિષ્ણાત માટે પણ તપાસનો વિષય બને છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં કસુવાવડ(મિસ્કેરજ)ના પ્રતિમાસે ૨૦ થી ૨૫ જેટલા સરેરાશ દર્દીઓ સારવાર અને સલાહ પરામર્શ માટે આવતા હોય છે.
જી.કે.જનરલ હોસ્પિટલના ગાયનેક ડો. પ્રફુલ્લાબેન ભિંડેના જણાવ્યા મુજબ વારંવારની કસુવાવડ એટલે ગર્ભધારણના ૨૦ વીક પહેલાં સતત ૩ વખતથી વધુ સ્વયંસ્ફુરિત ગર્ભપાત જે સામાન્ય રીતે આવું એક ટકા જેટલી સ્ત્રીઓમાં જોવા મળે છે. વળી આવા વારંવારના કસુવાવડનું કેટલાક કિસ્સામાં કારણ પણ નથી મળતું.
તબીબોના જણાવ્યા મુજબ આવી વિકૃતિઓ ઘણી વાર જન્મજાત હોય છે, જેમકે માતા-પિતાના રંગસૂત્રોની ખામી, અનિયંત્રિત ડાયાબિટીસ, જનનમાર્ગમાં ચેપ, લોહીનો ગંઠાવવાનો રોગ, લોહીનું અસંતુલન વિગેરે જવાબદાર હોય છે. ૩૫ વર્ષથી અથવા તો એથી વધુ વયની મહિલાઓમાં આવું થાય છે. ભાગદોડ, ક્યારેક ચોટ લાગવી, તેમજ અત્રે તપાસ માટે આવતી મહિલાઓમાં ક્યારેક ગર્ભાશયની દિવાલનો પડદો પણ કારણભૂત જોવા મળે છે અને વધુ પડતી સગર્ભાવસ્થા પણ આમાં ભાગ ભજવે છે.એમ ડો.ઋષિકેશ સુરાણીએ જણાવ્યું હતું.
અત્રે પરામર્શ માટે આવતી આવી મહિલાઓને વારંવારની કસુવાવડથી બચવા માટે મહિલાઓને સલાહ આપતા તબીબો ડો.ત્રિગુણા રૂપાલાએ કહ્યું હતું કે, પ્રથમ તો ગર્ભપાતનું સાચું નિદાન કરાવી લેવું જોઈએ. ભ્રુણના વિકાસમાં ખાસ કરીને દિલની ધડકન તેમજ કેટલાક બ્લડ ટેસ્ટ જરૂરી બને છે, જેથી ગર્ભનો વિકાસ યોગ્ય થાય છે કે નહીં તે જાણવા મળે છે. અગાઉ ગર્ભપાત થયો હોય તો ક્રોમોઝોમ એટલે કે દંપતિના લોહીની તપાસ પણ જરૂરી બને છે.
આવું ન થાય એ માટે સગર્ભાને ફોલિક એસિડ અને અન્ય વિટામિન લેવાની સલાહ આપવામાં આવે છે. નિયમિત રસીકરણ અને વિટામિન લેવા ઉપરાંત હળવો વ્યામ તેમજ યોગની સલાહ આપવામાં આવે છે. જો કે, કસરત કે યોગ કરતા પહેલા તબીબની સલાહ અચૂક લેવાની તાકિદ પણ બહેનોને કરવામાં આવે છે. આ ઉપરાંત દવા આધારિત ચિકિત્સા ઉપચાર અથવા તો ગર્ભવતી મહિલાની દેખભાળ પણ એટલીજ ઉપયોગી બને છે.
