~ અગાઉ આ જ મોડ્યુલ પરથી પોરબંદર અને સુરતમાંથી ઝડપાયા હતા
ગુજરાતમાં ફરી એક વખત આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ એક્ટિવ હોવાના ઈનપુટ એજન્સી અને સેન્ટ્રલ આઈડી દ્વારા ગુજરાતને મળ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા આ સંદર્ભે સતત સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. પોરબંદર, સુરત બાદ ગોધરામાં છ શકમંદ આ સંગઠન સાથે સક્રિય હોય તેવી શંકાના આધારે ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા તેમની અટકાયત કરીને અમદાવાદની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. બીજી તરફ એટીએસના ડીઆઈજી દીપેન ભદ્રને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમે ઇનપુટના આધારે કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને ગોધરામાં સર્ચ કર્યું છે. સેન્ટ્રલ એજન્સી અને ઇનપુટના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
NIAએ ઇનપુટ્સ આપ્યા હતા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને સેન્ટ્રલ આઈબીના ઇનપુટ્સના આધારે ISKP ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશનના કેટલાક લોકો ગુજરાતમાં એક્ટિવ છે. આ સમગ્ર કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ સંદર્ભે તાજેતરમાં તપાસ બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ હજી તપાસ ચાલી રહી છે ત્યારે વધુ એક ઇનપુટ ગુજરાત પોલીસને મળ્યા હતા. જેમાં આતંકી સંગઠન માટે મદદ કરતા અથવા તેની વિચારધારા અને સમર્થન કરતા લોકોની માહિતી હતી. જેના આધારે ગુજરાતી એટીએસના અધિકારીઓએ ગોધરા ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ટૂંક સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે
આ સર્ચ દરમિયાન છ લોકોની અટકાયત કરીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. જેમાં પાંચ જેટલા લોકો શકમંદ છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અંગે ડીઆઈજી દીપેન ભદ્રને વધુમાં જણાવ્યું હતું કે, અમને ઇનપુટ્સ મળ્યા હતા અને જેના આધારે અમે સર્વેલન્સ કરી રહ્યા હતા. હવે કેટલાક લોકોની પૂછપરછ થઈ રહી છે અને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ટૂંક સમયમા સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
અગાઉ સુરતથી ISKP સાથે કનેક્ટટેડ મહિલા ઝડપાઈ
અગાઉ જૂન 2023માં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતી એક મહિલા સુરતથી ઝડપાઈ હતી. આ મુસ્લિમ મહિલાને લાલગેટ વિસ્તારમાંથી ATS દ્વારા સુરત પોલીસની મદદથી ઝડપી લેવામાં આવી હતી અને તેને પોરબંદર લઈ જવાઈ હતી. ISKP સાથે કનેક્શન ધરાવતી મહિલાનો પરિવાર ભરૂચનો છે, લગ્ન તામિલનાડુમાં કર્યાં છે અને બે સંતાનની માતા પણ છે. જોકે મહિલા સુરત તેના પરિવારને મળવા આવી હતી, જેની જાણ ATSને થતાં રાત્રે ધરપકડ કરી હતી. મહિલા પાસેથી ISKPનાં રેડિકલ પ્રકાશનો મળ્યાં હતાં.
પોરબંદરથી 3 આતંકી ઝડપાયા ને મહિલાનું નામ ખૂલ્યું
ગુજરાત ATS દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલા ત્રણની અટકાયત કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી સુમેરા નામની એક મહિલા પણ તેમની સાથે સંપર્કમાં છે, જેને આધારે ATSની ટીમ સુરત આવી હતી અને સુરત પોલીસને સાથે રાખીને એ મહિલાની મોડી રાત્રિએ અટકાયત કરી હતી.
મહિલા દક્ષિણ ભારતમાં રહેતી હતી
પોરબંદરમાંથી અટકાયતમાં લેવાયેલા ત્રણ શખસ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISKP સાથે સંકળાયેલા હતા. તેમની તપાસ અને પૂછપરછ કરવામાં આવતાં તેમના સંપર્ક ગુજરાતના સુરતની સુમરા નામની મહિલા સાથે હોવાનું ખૂલ્યું હતું, જે દક્ષિણ ભારતમાં રહેતી હતી. મહિલાના તામિલનાડુમાં લગ્ન થયાં હતાં. બે સંતાનની માતા એવી આ મહિલા તેના પરિવારને મળવા સુરત આવી હતી, પરંતુ સુરતમાં તેના પરિવારને ત્યાં આવી હોવાની મળેલી જાણકારીના આધારે એટીએસ અને સુરત પોલીસે સુમેરાની મોડીરાત્રિએ અટકાયત કરી હતી.
ISKP સંગઠન શું છે
ISKP એ કુખ્યાત આતંકવાદી સંગઠન ISISની જ એક શાખા છે. ISISનો અર્થ ઇસ્લામિક સ્ટેટ ફોર ઇરાક એન્ડ સીરિયા. ISIS તો દુનિયાભરમાં તેની કરતૂતોના કારણે કુખ્યાત છે. દુનિયાના અનેક ભાગોમાં આતંક મચાવ્યા બાદ ISISએ હવે શાખાઓ શરૂ કરવા માંડી છે. ISIS મધ્ય-પૂર્વના દેશોમાં વધુ સક્રિય છે પણ પોતાનો વિસ્તાર વધારવા માટે અને અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વર્ચસ્વ જમાવવા માટે ISKPની સ્થાપના કરી હતી. ISKPનો અર્થ ઇસ્લામિક સ્ટેટ ફોર ખુરાસાન પ્રોવિન્સ. અહીં ખુરાસાન એટલે અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઈરાનને આવરી લેતો વિસ્તાર. દુનિયાના નકશા પર હાલ તેનું અસ્તિત્વ નથી, જોકે હાલ આ નામનો એક પ્રાંત ઈરાનમાં આવેલો છે, પણ વર્ષો પહેલાં આ આખો વિસ્તાર ‘ખુરાસાન’ નામે ઓળખાતો. આતંકી સંગઠન આ સમગ્ર વિસ્તાર પર કબજો જમાવવા માગે છે એટલે આવું નામ રાખ્યું છે.
