જી.કે.જન. અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સક વિભાગે આપી સફળ માનસિક સારવાર

~ અસાધારણ સુનમુન મનોદશાથી પીડિત સાયકોસિસ યુવતી  E.C.T. સારવારથી બની પ્રસન્નચિત્ત અને પૂર્વવત

ન બોલવું, ન ચાલવું. ન ખાવું કે ન ઊંઘવું જેવી અસાધારણ  મનોદશાથી(સયકોસિસ) ઘેરાયેલી યુવતીને જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગે ઈ.સી.ટી.(ઇલેક્ટ્રો કોનવલ્સિવ થેરાપી) એટલે કે શેક સારવાર આપી, પીડિતાને પ્રસન્નચિત બનાવી આપતા તેની માનસિક સ્થિતિ પૂર્વવત થઈ ગઈ.

જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો. રિદ્ધિ ઠકકરે  યુવતીની સારવાર બાદ જણાવ્યું હતું કે,  સદંતર સુનમુન બની ગયેલી યુવતી અત્રે સારવાર લેવા આવી ત્યારે તેના ચહેરા ઉપર ઘેરી ઉદાસીનતા  નીતરતી હતી. કોઈપણ પ્રતિક્રિયા આપવા  જાણે સક્ષમ જ ન હોય તેમ બોલવું -ચાલવું તો ઠીક ઉભી હોય તો ઉભી જ રહે અને રડે તો રડવાનું કોઈ કારણ જ ન આપે.

આવા માનસિક લક્ષણો ઉપરથી તેનું સાયકોસીસ અર્થાત અસાધારણ અવદશાનું નિદાન કરાયું. તબીબની સતત દેખરેખ હેઠળ માનસિક વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરી.દવા આપી પણ ધાર્યું પરિણામ ન મળતાં છેવટે શેક સારવાર આપવાનું નક્કી કર્યું. પ્રથમ પ્રયાસે સુધારો દેખાતાં એકાંતરે કૂલ્લ ત્રણ શેક આપ્યા બાદ તેની માનસિક અવસ્થા પહેલા જેવી જ સામાન્ય બની ગઈ અને દરેક વાતનો સુંદર પ્રતિભાવ આપતી થઈ ગઈ.

મનોચિકિત્સા વિભાગના હેડ ડો.મહેશ ટીલવાની અને ડો.શિવમ ગાંધીના જણાવ્યા મુજબ અસામાન્ય ડિપ્રેશન, અને કોઈ પણ માનસિક સ્થિતિમાં સુધારો ન થાય તેવા સિઝોફ્રેનીયા અને ઉન્માદ જેવી માનસિક અવદશામાં  શેક આપવાની પદ્ધતિ કારગર પુરવાર થાય છે. 

શેક થેરાપી કારગર અને કોઈ આડઅસર નથી:

લોકોમાં એવી ખોટી માન્યતા પ્રવર્તે છે કે શેકથી મગજને અસર થાય છે અને એ બાબત ગેરમાર્ગે દોરનારી છે. મગજને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી અને કોઈ કરતાં કોઈ પણ આડઅસર જોવા નથી મળતી જો કે, થોડીવાર માથાનો દુખાવો થાય છે,પણ તુરંત રાહત થઈ જાય છે. માટે શેકથી ગભરાવાની જરૂર નથી.

Leave a comment