તમે તમારી કારમાં રોજ 5 કિલોમીટર ફરો કે 50, વીમાના પ્રીમિયમમાં તેનાથી કોઈ ફેર પડતો નથી. પરંતુ હવે ફેર પડશે. તમે કાર જેટલી ફેરવશો એ પ્રમાણે કારના વીમાનું પ્રીમિયમ નક્કી થશે. આ સુવિધાને ‘પે-એઝ-યુ-ડ્રાઇવ ઇન્શ્યોરન્સ’ નામ અપાયું છે. આ માટે વાર્ષિક 2500 કિમીથી સ્લેબ શરૂ થશે એટલે કે તમે રોજ સરેરાશ 7 કિમીથી ઓછી કાર ચલાવશો તો તમારા પ્રીમિયમમાં 25% સુધીની છૂટ મળશે.
તેમાં 2501-500 કિમી સુધીમાં 17.5%, 5001-7500 કિમી સુધીમાં 10% અને 7501-10 હજાર કિમીએ 5% સુધીનું પ્રીમિયમ ચૂકવવું પડશે. તાતા એઆઇજી જનરલ ઇન્શ્યોરન્સના સિનિયર એક્ઝિક્યુટિવ નીલ છેડા કહે છે કે જે લોકો કારનો વધુ પડતો ઉપયોગ કરે છે તેમના માટે વીમો ઘણો સસ્તો થઈ જશે. ડિજિટ જનરલ ઇન્શ્યોરન્સના સીએઓ (હેડ ડાયરેક્ટ સેલ્સ) વિવેક ચતુર્વેદી કહે છે કે કોર્પોરેટ જોબ કરનારા કારમાલિકોને પણ લાભ થશે.
કાર કેટલી ચાલી તે ડિવાઈસથી જાણશે
કાર કેટલા કિમી ચાલી એ કંપની કેવી રીતે જાણી શકશે?
બજાજ આલિયાન્સના ચીફ ટૅક્નિકલ ઑફિસર ટી. એ. રામલિંગમ જણાવે છે કે કારના કિમી ટ્રેક કરવા માટે ઓબીડી ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ. ડિવાઇસ મોબાઇલથી લિન્ક હોય છે અને વાહનના ડેટા કૅપ્ચર કરે છે. તેને સિસ્ટમ સાથે જોડી દઈએ છીએ અથવા પછી ક્લેમ ટાણે ઓડોમીટર રીડિંગના આધારે ગણતરી કરીએ છીએ.
મોટર ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ કેવી રીતે નક્કી કરાશે?
વાહનનું મોડેલ, મેન્યુફેક્ચરિંગ યર, રજિસ્ટ્રેશનનું સ્થળ અને વર્ષમાં કાર કેટલી ચાલી તેના આધારે પ્રીમિયમ નક્કી કરાશે.
જો કાર નિર્ધારિત કિમી કરતાં વધુ ચાલે તો શું?
તમે વાર્ષિક 2500 કિમીના આધારે વીમો લીધો હોય તો એટલા કિમી સુધીનું વીમાકવર તમને મળશે પરંતુ તમને લાગે કે કાર નક્કી કરાયેલા કિમી કરતાં વધુ ચાલશે તો વધારાની રકમ ભરીને કિલોમીટર વધારી શકો છો પરંતુ એ 5000, 7500 અને 10 હજાર કિમીના સ્લેબના આધારે જ વધારી શકાશે.
