મુંદરાએ સ્ટેમ્પ ડયૂટીથી એક દાયકામાં આપ્યા અઢી અબજ

વિશાળ વાણિજ્યિક પોર્ટના આગમનને પગલે મુન્દ્રા એ જમીનોના વેપાર અને રોકાણકારોને ચાંદી માટે પંકાયેલું નગર છે. એવું કહેવાય છે કે જ્યારે અહીં બંદર તેના વિકાસના પ્રાથમિક તબક્કે હતું ત્યારે જમીનોની માંગમાં આગઝરતી તેજી હતી અને અઠવાડિયામાં એક જ જમીન ચાર- પાંચ હાથોમાં ફરી જતી ને દસ્તાવેજ તો કોઈ એવા નામે થતો જેની મૂળ વેચનારને માંડ ખબર પડતી. જોકે આવી સોદાબાજી કે તેજી નથી પણ મુંદ્રાની જમીન -મિલકતોનું  બજાર તો હજુ ગરમાગરમ જ છે. એ જમીનોના ભાવ અને મકાનના ભાડાં પરથી દેખાય છે અને સરકાર પણ  અહીંથી તગડી આવક રળી લે છે.

છેલ્લા એક દાયકામાં મુન્દ્રામાં પોણા લાખ દસ્તાવેજોની નોંધણી થઈ ચૂકી છે, અને એમાંથી સરકારે અઢી અબજની વસુલાત કરી છે. આ તબક્કે આ કમાઉ નગરને સરકાર ગ્રાન્ટની ફાળવણીમાં પણ હાથ છૂટો રાખે એવી લાગણી વ્યક્ત થઇ રહી છે. મુન્દ્રાની સબ રજીસ્ટ્રાર કચેરીએથી પ્રાપ્ત સત્તાવાર વિગતો પ્રમાણે, 2013થી 2022ના વર્ષના આ દાયકા દાયકા દરમિયાન કુલ 68,725 દસ્તાવેજોની નોંધણી થઈ હતી. જેમાં 167 કરોડ એટલે કે 1.67 અબજની સ્ટેમ્પ ડ્યુટીની અને 26.68 કરોડની રજીસ્ટ્રેશન ફીની આવક થઈ હતી. જ્યારે એ પછી એટલે કે ચાલુ વર્ષ 2023માં સપ્ટેમ્બર મહિના સુધીમાં વધુ 6,184 દસ્તાવેજો નોંધાયા હતા અને 2023ના આ 9 મહિનામાં 47.17 કરોડની સ્ટેમ્પ ડ્યુટીની અને 7.81 કરોડની નોંધણી ફી પેટે આવક થઈ હતી .

આમ છેલ્લા એક દાયકા અને ચાલુ વર્ષ સહિતની ગણતરી કરવામાં આવે તો કુલ 74,909 દસ્તાવેજોની નોંધણી થઈ હતી અને 2.41 અબજની વસૂલાત થઈ ચૂકી છે. નોંધપાત્ર છે કે 12 વર્ષ બાદ એવું બન્યું હતું કે જંત્રીના ભાવ સરકારે બે ગણા એટલે કે સો ટકાનો વધારો કર્યો અને તેની અસર દસ્તાવેજોની નોંધણી પર પણ જોવામાં આવી હતી. 15મી એપ્રિલ 2023થી તેનો અમલ શરૂ થયો પણ જો સોદો નક્કી હોય અને એ તારીખ સુધીમાં કરાર ને સ્ટેમ્પ પેપર ખરીદાઈ ચૂક્યા હોય તો જૂની જંત્રી પ્રમાણે ચાર મહિના સુધી નોંધણીની છૂટ અપાઈ હતી.

મુન્દ્રા સબ રજીસ્ટર કચેરીના વડા બીપીનભાઈ જોબનપુત્રાએ જણાવ્યું કે વર્ષ 2023ના આરંભે જાન્યુઆરી મહિનાની જ વાત કરવામાં આવે તો એક જ મહિનામાં 661 દસ્તાવેજો નોંધાયા હતા. જેમાં 10.38 કરોડની સ્ટેમ્પ ડ્યુટીની આવક થઈ હતી અને રૂપિયા બે કરોડની ફી પેટે સરકારે કમાણી કરી લીધી હતી.એવી જ રીતે માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ અનુક્રમે 859 અને 908 જેટલા ઊંચા પ્રમાણમાં દસ્તાવેજો નોંધાયા હતા. આ સિવાય કોરોના કાળના સમયની વાત કરવામાં આવે તો 2019 અને 2020ના બે વર્ષના આ કપરા ગાળા દરમિયાન અનુક્રમે 7,110 અને 4394 મળીને 11,504 દસ્તાવેજોની નોંધણી થઈ હતી અને 31 કરોડની સ્ટેપ ડ્યુટીની આવક થઈ. એ સામે 2021 અને 2022ના વર્ષમાં ઉછાળો નોંધાતા અનુક્રમે 5,870 અને 7171 મળીને કુલ 13041 દસ્તાવેજોની નોંધણી થઈ હતી.

જ્યારે સ્ટેમ્પની આવકમાં નોંધપાત્ર ઉછાળો દેખાતા 54.19 કરોડની વસુલાત થઈ હતી. ઉલ્લેખનીય છે કે મિલકત ખરીદ કે વેચાણ કે ડીડ બનાવવા માટે ઈ સ્ટેમ્પ ખરીદવા પડે છે અને હવે ડિજિટલ ઇ- સ્ટેમ્પિગ આવી ગયું છે. જમીન મકાનના સોદા થાય એટલે સ્ટેપ ડ્યુટી ભરવી પડે અને ખરીદનાર નોંધણી કરાવે ત્યારે જરૂરી દસ્તાવેજો પર રજીસ્ટ્રેશન ફી ભરવી પડે છે. આમ, સ્ટેમ્પ ડ્યુટીનો વધારો એ મુન્દ્રાના બાંધકામ ક્ષેત્ર તેમજ જમીનના સોદાના પ્રમાણમાં ઉછાળા સાથેના ધમધમાટનું પ્રતીક છે અને એ નજર સામે દેખાઈ રહ્યું છે.

Leave a comment