~ અધૂરા ૨૮ અઠવાડિયે જન્મેલા માત્ર ૭૭૦ ગ્રામ વજનના બાળકને ૧૦૦ દિ’ ની જહેમત બાદ ૧.૫ કિ.ગ્રા. કરી બચાવી લેવાયું:
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ૨૮ અઠવાડિયે અધૂરા મહિને અને માત્ર ૭૭૦ ગ્રામ જેટલા અતિ અલ્પ વજન સાથે જન્મેલા બાળકને સતત એન.આઇ.એસ.યુ. જેવી સઘન સારવાર આપ્યા બાદ સો દિવસની જહેમતના અંતે જ્યારે રજા આપવામાં આવી, ત્યારે તે બેબી બાળકનું વજન વધીને દોઢ કિલોગ્રામ થયું હતું અને બાળકને બચાવી લેવામાં આવ્યું હતું.
જી. કે. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ડો. રેખાબેન થડાની અને ડો. એકતાબેન ઠક્કરના જણાવ્યા મુજબ ભુજમાં રહેતી એક ગર્ભવતી માતાએ જી.કે. માં જ અધૂરા મહિને અને ઓછા વજનવાળા બાળકને સ્ત્રીરોગ વિભાગમાં જન્મ આપ્યા બાદ આ બાળ વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યું ત્યારે, તેના ફેફસા નબળા હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
આ બાળકને પ્રથમ તો શ્વાસની તકલીફ દૂર કરવા એક વીક માટે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું.બાળકના ફેફસાની ક્ષમતા વધારવા મોંઘા ભાવના ઇન્જેક્શન આપવામાં આવ્યા. વેન્ટિલેટર બાદ તેને સી.પેપ ઉપર રાખવામાં આવ્યું. વજન વધારવા નલીથી ધીમે ધીમે દૂધ આપવાનું શરુ કર્યું. પાચન શક્તિ મુજબ શરૂઆતમાં માત્ર ૨ એમ.એલ. દુધ આપવામાં આવ્યું.
સુધારો જણાતા ચમચી અને કટોરાથી દૂધ આપવાનું શરૂ કર્યું. આ સ્થિતિમાં બાળકના શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરવા તેને સતત વોર્મર ઉપર રાખવામાં આવ્યું હતું. છેવટે ૧૦૦ દિવસની જહેમતના અંતે બાળકનું વજન વધીને દોઢ કિલોગ્રામ થયું ત્યારે જ રજા આપવામાં આવી હતી. આ સારવારમાં ડૉ.વિનીશા માખીજાની, ડૉ.પાર્થ સાણંદિયા, ડૉ.રોહન બલ્દા, નર્સો સહિતનો સ્ટાફ જોડાયો હતો.
જી.કે.માં અંતિમ ૩ માસમાં જન્મેલા અલ્પ વજનવાળા ૪૪૮ બાળકોનું સારવારથી વજન વધ્યું:
ડૉ.રેખાબેન થડાનીએ તાજેતરમાં જ ૧૭મી. નવે.ના રોજ ઉજવાયેલા વિશ્વ પ્રીમેચ્યુરિટી ડે (અધૂરા મહિને જન્મ) વિષે માહિતી આપતા જણાવ્યું કે, જી.કે.ના બાળ વિભાગમાં છેલ્લા ૩ મહિનામાં ઓછા વજનવાળા જન્મેલા કુલ્લ ૪૪૮ બાળકોને જરૂરી સારવાર આપી નિર્ધારિત વજનના કરીને જ ઘરે મોક્લ્યા હતા.જેમાં ૨૩ બાળકો તો ટવિન્સ હતા.આ ૪૪૮ પૈકી અધૂરા મહિને એટલે કે,૩૪ થી ૩૭ અઠવાડિયાના ૩૫૮ અને તેથી ઓછા મહિનાના ૯૦ બાળકોને સારવાર અપાઇ હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલી આ વર્ષની “સ્કિન ટુ સ્કિન” થીમને જી.કે.અદાણી હોસ્પિટલે ચરિતાર્થ કરી બતાવી હતી.
