જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં દર માસે ન્યુમોનિયાના ૫૦ જેટલા સરેરાશ દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે

~ જો કોઈને લાંબા સમય સુધી તાવ,કફ, છાતીમાં દુખાવો જણાય તો ન્યૂમોનિયાનું પરીક્ષણ કરાવવું જરૂરી

~ રસી, નિયમિત સારવાર અને સક્રિય જીવનશૈલી શ્રેષ્ઠ ઉપાય:બાળકો,વૃદ્ધો અને ગર્ભસ્થ માતાઓએ સંભાળ વિશેષ લેવી

ઠંડી અને પ્રદૂષણ જ્યારે બંને વાતાવરણમાં આક્રમણ કરે ત્યારે ન્યુમોનિયા નામનો રોગ વકરે છે. ન્યૂમોનિયા આમ તો ફેફસામાં સોજો આવી જવાની સમસ્યા છે. જે, સંક્રમણને કારણે થાય છે અને આ સંક્રમણ વાયરલ, બેક્ટેરિયા અને ફંગસને કારણે થતું હોય છે. પરિણામે તાવ, છાતીમાં દુખાવો અને શ્વાસની તકલીફ વિગેરે થાય છે

.

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં દર માસે ન્યુમોનિયાના ૫૦ જેટલા સરેરાશ દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે.

હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના હેડ ડો. કલ્પેશ પટેલે ૧૨ મી નવે.વિશ્વ ન્યૂમોનિયા દિવસ નિમિતે  કહ્યું કે, જો કોઈને લાંબા સમય સુધી તાવ, છાતીમાં દુખાવો રહેતો હતો તો ન્યુમોનિયાનું પરીક્ષણ અવશ્ય કરાવવું જોઈએ. સામાન્ય રીતે ૬૦ ટકા કિસ્સામાં એક્સ-રે થી જ નિદાન થઈ જાય છે, પરંતુ કેટલાક ગંભીર કેસમાં સીટી સ્કેનની આવશ્યકતા રહે છે. સ્વાઇન ફ્લુથી પણ ન્યુમોનિયા થઈ શકે છે. ન્યુમોનિયાથી બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી પડે છે.

જી.કે.ના સીની.રેસી.ડો. તૃપ્તિ ગઢવીના જણાવ્યા મુજબ આ રોગનો ઈલાજ એન્ટિબાયોટિક્સથી થાય છે. વાયરલ નિમોનિયામાં એન્ટી વાયરલ દવાઓ આપવામાં આવે છે. પ્રદૂષણ વધુ હોય છે તેવા સંજોગોમાં ન્યુમોનિયાના દર્દીઓ વધી જતા હોય છે.

આ વિભાગના અન્ય ડો. સ્મિત યાદવે વધુ માહિતી આપતા  કહ્યું કે, ન્યુમોનિયા માટે રસી ઉત્તમ ઉપાય છે. આ રોગની  રસી મુકાવાથી ન્યુમોનિયાને ગંભીર બનતો અટકાવી શકાય છે, ખાસ કરીને જેમને ફેફસા, હૃદય, કિડની અથવા ડાયાબિટીસની સમસ્યા જેવી ક્રોનિક બીમારી હોય તેવા કિસ્સામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય જેને ઇમ્યુનો કોમ્પ્રોમાઈસ્ડ સ્ટેટ કહેવાય છે તેમને વેક્સિન દ્વારા ન્યુમોનિયાથી વધુ સુરક્ષા પ્રદાન કરી શકાય છે.

જેમની રોગ પ્રતિકારક ક્ષમતા  નબળી હોય અને વધુ ઉંમર હોય તો આ રોગ વધી શકે છે. આવા દર્દીઓએ તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પૌષ્ટિક ભોજન, શિથિલ જીવનશૈલીમાં  ક્રિયાશીલતા લાવવાની આવશ્યકતા રહે છે, જો ન્યુમોનિયાનું  નિદાન થાય તો ઈલાજ આવશ્યક છે. તેમાંય જો પ્રદૂષણ વધુ જણાય ત્યારે એન ૯૫ માસ્ક નો ઉપયોગ કરવો જરૂરી બને છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અહેવાલ મુજબ દર વર્ષે ૨.૫ મિલિયન લોકો આ રોગથી મૃત્યુ પામે છે.માટેજ લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર આ વર્ષે ડબલ્યુ.એચ.ઑ એ ‘healthy lungs for all’, નો મંત્ર આપ્યો છે.આ રોગ માટે લોક જાગૃતિની ઉજવણી દર વર્ષે ૧૨મી નવે.૨૦૧૯થી થઈ  રહી છે.

Leave a comment