ડ્રગ્સની માયાજાળમાં ફસાતું મેગા સિટી

દારૂબંધી તો કાગળ પર લાગી છે પરંતુ હવે ડ્રગ્સનો પગ પેસારો ચિંતાજનક બની રહ્યો છે. કારણ કે, દરબદર ગુજરાતમાં ડ્રગ્સની માયાજાળ ફેલાઈ રહી છે. આ માયાજાળનો એક છેડો વિદેશ તો બીજો ભારતના અન્ય રાજ્યો સાથે જોડાયેલો છે. આ ડ્રગ્સનું કાળું ચકડોળ ગુજરાતના મોટા શહેરોમાં પ્રેવેશીને રાજ્યની નાનામાં નાની ગલી સુધી પહોંચીને બંધ બારણે મળતું થયું છે. જોકે, કોઈ ડ્રગ્સ ડિલિવરી મેન પકડાઇ જાય તો કાયદાનું ભાન થઈ જાય છે, પરંતું આમ એ પણ નક્કી છે કે, કઈ ગેંગ, ક્યાં રૂટથી કેટલું ડ્રગ્સ લાવશે. ગુજરાતનું મેગા સિટી એટલે કે અમદાવાદ તો ડ્રગ્સની માયાજાળમાં દિવસેને દિવસે ફસાતુ જાય છે. કારણ કે, છેલ્લા એક મહિનામાં જ અમદાવાદમાં 2 કરોડનો ગાંજો, કોકેઈન, સિરપ અને MD ડ્રગ્સ ઝડપાયું છે.

MD ડ્રગ્સ ગુજરાતમાં મોટા પ્રમાણમાં મળી રહ્યું છે

રાજ્યમાંથી નશાકારક કફ સિરપ, કોકેઈન, ગાંજો, ડ્રગ્સ થોડાં દિવસેને દિવસે ઝડપાઈ રહ્યા છે. કફ સિરપ તો ગુજરાતમાં જ ઉત્પાદન થતું હોય છે. જ્યારે ગાંજાની વાત કરવામાં આવે તો હવે ગાંજો માત્ર શહેરોમાં જ નહીં પરંતુ રાજ્યના કેટલાક ગામડાઓમાં પણ ફેલાય ગયો હોવાનું અનુમાન લગવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત નશેડીઓની માગ મુજબ MD ડ્રગ્સ ગુજરાત જાણે ઘર કરી ગયું હોય તે પ્રમાણે મોટા જથ્થા સાથે ઝડપાઇ છે.

ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે રૂટ

સુરતમાં થોડા સમય પહેલા ગાંજાનો જથ્થો ઝડપાયો હતો, જેનો તાર સીધો ઓરિસ્સા ખુલ્યો હતો, તો કોકેઈન મુંબઈથી કયા રસ્તે આવે છે તેની ખબર નથી. બીજી તરફ MD ડ્રગ્સના તાર મુંબઈ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડે છે. નશો ઘૂસાડવા માટે પેડલરો ગુજરાતનો 1600 કિલોમિટરનો દરિયાકાંઠો પણ પસંદ કરતા હોવાનું સ્પષ્ટ થયું છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરત, વડોદરા જેવા શહેરમાં પણ ક્યારેક મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયાના કિસ્સાઓ સામે આવ્યા છે.

ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે

અમદાવાદ સહિત રાજ્યના અન્ય નાના-મોટા શહેરોમાં કફ સિરપ, કોકેઈન, ગાંજા, ડ્રગ્સની ગંદકી સતત વઘતી જાય છે. જોકે, પોલીસ વિભાગ આ ધંધા પર લગામ લગાવવા કામ કરી રહી છે. અમદાવાદમાં મોટાભાગે શહેરના સિંધુ ભવન રોડ, વસ્ત્રાપુર, નારોલ, એસજી હાઈવે સહિત અનેક જગ્યાએ ડ્રગ્સ ઝડપાયાના વધુ બનાવો સામે આવે છે. જોકે, ફરી એકવાર અમદાવાદ શહેરમાંથી છેલ્લા બે દિવસમાં 1.20 કરોડથી વધુનું MD ડ્રગ્સ ઝડપાયું છે. ઝડપાયેલા ડ્રગ્સનું કનેક્શન આંશિક રીતે જોઈએ તો પૂરા ભારતને ખુલ્યું છે.

ડ્રગ્સની ફેક્ટરી બનાવવાનું આયોજન

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વલસાડના ઉમરગામમાં ડ્રગ્સની ફેક્ટરી બનાવવાનું આયોજન કરનાર એક આરોપીને 10 કરોડનું ડ્રગ્સ બની શકે તેટલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે રાજસ્થાન જઈને ડ્રગ્સ બનાવવા માટેનો 10.50 કિલોથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં આ ડ્રગ્સ બનાવવાનો આખો પ્લાન સુરતની લાજપુર સેન્ટ્રલ જેલમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સુરતના ડીંડોલીમાંથી 35 લાખના ડ્રગ્સ સાથે બે આરોપીને અને રાંદેરમાંથી 5 લાખના ડ્રગ્સ સાથે બે આરોપી મળી કુલ 5 આરોપીને ઝડપી પાડ્યા છે.

કોણ મોટા સપ્લાયરના નામ

ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં કોકેઈન, ગાંજો, ડ્રગ્સ ઘૂસાડે છે કોણ? તે જાણવું ખૂબ જ જરૂરી છે. થોડા સમય પહેલા યુગાન્ડાની અસીમુલ રિયેલ નામની મહિલા રેવ પાર્ટીમાં ડ્રગ્સનું ધંધો ચલાવતી હતી. તો બીજી તરફ રાજસ્થાનના ઉદયપુરથી આરિફ પઠાણ નામનો શખસ અમદાવાદમાં મોટાપાયે ડ્રગ્સની સપ્લાય કરી રહ્યો હોવાની માહિતી મળી છે. આરીફ અમદાવાદમાંથી જ્યારે ડ્રગ્સનો ઓર્ડર મળે ત્યારે ડ્રગ્સ પેડલર સુહેલઅસરફ મંસુરીને ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદના નોરાલમાં મોકલી આપતો હતો. સુહેલઅસરફ મંસુરીએ તેની પાસેના એક કિલો મેફેડ્રોના જથ્થામાંથી આરીફના જણાવ્યા મુજબ ઇમરાનખાન પઠાણ, ઝહીર વોરા, તૌફિકને ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો.

પોલીસ વિભાગ શું કહે છે

ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કફ સિરિપ, કોકેઈન, ગાંજા, ડ્રગ્સ સહિત વિવિધ વસ્તુઓ ઉપર અડધો ડઝનથી વધુ કેસ કરવામાં આવ્યા છે. કફ સિરપ તપાસ દરમિયાન ગુજરાતમાંથી જ મેળવવામાં આવેલું હતું. ગાંજાનો જથ્થો સુરતથી ઝડપાયો પણ ઓરિસ્સાથી આવ્યો હતો. કોકેઈન મુંબઈથી લાવવામાં આવ્યું હતું અને MD ડ્રગ્સ માટે મુંબઈ, MP અને રાજસ્થાનની લાઈનો ધ્યાનમાં આવી છે. તમામ લાઈનો પર કેસ કરવામાં આવ્યા છે. નીચેથી લઈને ઉપર સુધી મૂળ પાસે પહોંચવા માટે તપાસ ચાલુ છે. આ સાથે નારોલ અને એસજી હાઈવે પરથી ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક મહિનામાં ક્રાઈમ બ્રાન્ચે 9 NDPSના કેસ કરીને 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અમદાવાદ ડ્રગ્સ મુક્ત કરવાના પ્રયત્ન

ડીસીપી ચૈતન્ય માંડલિકે વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે નારોલ બ્રિજ પાસે આવેલી હોટલ શિમલા ખાતેથી આરોપી સુહેલઅસરફ મંસુરીએ તેની પાસેના એક કિલો મેફેડ્રોનના જે કેસો કર્યા છે તે બન્ને આરોપી મૂળ રાજસ્થાનના ઉદયપુરના છે. જેમાં મુખ્ય આરોપી અનવર ઉર્ફે પપ્પુને પણ ઝડપી રાઉન્ડઅપ કરવામાં આવશે. તેમજ બીજી ડ્રગ્સની હેરાફેરીની વાત કરતા જણાવ્યું હતું કે, જાકીરહુસૈન શેખ નામના શખસને 594.800 ગ્રામના 59.48 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે છારોડી પાટિયા પાસેથી ઝડપી લીધો હતો. અનવરહુસૈન છ મહિનાથી પાલનપુરના કણોદરથી મનુભાઈ નામની વ્યક્તિ પાસેથી ડ્રગ્સ ખરીદીને અમદાવાદમાં જુદા જુદા પેડલરોને આપીને ધંધો કરતા હતાં. આરોપી મનું અને અન્ય એક આરોપી અફિણના કેસમાં પિંડવાડામાં પકડાઈ ગયો હતો. પિંડવાડા પછી તેને એક જેલમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં બંન્ને આરોપીઓ 4 વર્ષ સુધી જોધપુર જેલમાં સાથે હતા. આ બન્ને આરોપીઓ સાથે હોવાના કારણે સંપર્કમાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી લગભગ છ માસથી ધંધો કરતો હતો. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે, તેને 6થી 7 વખત ટ્રીપ મારી છે. જોકે, આ મામલે કડકમાં કડક પગલાં લઈને અમદાવાદ ડ્રગ્સ મુક્ત થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે.

Leave a comment