અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ઊર્જા કાર્યક્ષમતામાં સર્વશ્રેષ્ઠ એરપોર્ટ બન્યું છે. SVPI એરપોર્ટને સોસાયટી ઓફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ (SEEM) એવોર્ડ્સમાં ગોલ્ડ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. 21મી સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં SVPIAને એરપોર્ટ સેક્ટરમાં સુવિધા કેટેગરી હેઠળ આ સન્માન પ્રાપ્ત થયું છે.
SVPI એરપોર્ટેને તેની ટકાઉ અને ઉર્જા-કાર્યક્ષમ પહેલો માટે આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જેમાં વીજળી અને પાણીનું સંરક્ષણ કરતા અદ્યતન કૂલિંગ ટાવર, ઉર્જા કાર્યક્ષમ ચિલર અને ઓછી ઉર્જા વપરાશ કરતી એર કન્ડીશનીંગ સિસ્ટમ, 5-સ્ટાર એર કન્ડીશનીંગ યુનિટની સ્થાપનાથી અંદાજે 15% વીજ વપરાશ ઘટાડવામાં મદદ મળી છે.
એરપોર્ટના ટર્મિનલ 2 AHUs (A/C ઇન્ડોર યુનિટ)માં વેરિયેબલ સ્પીડ પંખા સ્થાપિત કર્યા છે. જેના દ્વારા એર કંડિશનરના પંખાની ઝડપ તાપમાન પ્રમાણે વધ-ઘટ છે. વળી ઓફિસ વિસ્તારોમાં પ્રકાશ નિયંત્રણ માટે ઓક્યુપન્સી સેન્સર, સ્ટ્રીટ લાઇટિંગ માટે ટાઈમર અને પાણીનો વપરાશ ઘટાડવા નળમાં એરેટર્સ મૂકવામાં આવ્યા છે. વિજ વપરાશ ઘટાડવા એર કન્ડીશનીંગમાં યુવી સિસ્ટમ મહત્વનો ફાળો આપે છે.
SVPIA ઇકો-ફ્રેન્ડલી ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ટકાઉપણું વધારવા માટે પ્રતિબદ્ધ છે. ગોલ્ડ એવોર્ડ ટકાઉ અને હરિયાળી એરપોર્ટ સુવિધા માટેના પ્રયાસોનું પ્રમાણપત્ર છે.
