રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેહુલો જામ્યો છે. કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. ગતરાત્રિથી આજે સવાર સુધી રાપરમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જામનગરમાં પણ સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તાઓ પણ પાણી ફળી વળ્યાં છે. તો બીજી તરફ ગત રાત્રિના સમયે કરજણ ડેમની જળસપાટી 113.52 મીટર ઉપર પહોંચી હતી, જેથી કરજણ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે.
દયાપરમાં પવનની આંધી બાદ ગાજવીજ સાથે વરસાદ
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર સહિત ઘડુલી પાનધ્રો ધારેશી, દોલતપર સહિતના વિસ્તારમાં સાંજે 5:30 વાગ્યાના બાદ પવનની આંધી બાદ ગાજવીજ સાથે વરસાદ પડતા માર્ગો પરથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. તો નખત્રાણા તાલુકામાં વરસાદનું આગમન તાલુકાના ખોંભડી રસલીયા ટોડિયા કોટડા જડોદર ઉખેડા સહિતના વિસ્તારોમાં પવનના સુસ્વાટા સાથે વરસાદનું આગમન આકાશમાં મેઘ આડબર છવાયો હતો.
ભાવનગરમાં મેઘસવારી આવી પહોંચી
ભાવનગર શહેરમાં ગાજ-વીજ સાથે વરસાદનું આગમન થયું છે. સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી અને ઉકળાટ બાદ આખરે ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘસવારી આવી પહોંચી છે. ભાવનગર જિલ્લાના અન્ય તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
બનાસનદીમાં પાણીનો પ્રવાહ વધતા પાટણના 10 ગામો પ્રભાવિત થયા
બનાસ નદીમાં પાણી આવતા પાટણ જિલ્લાના કાંઠાના ગામો પ્રભાવિત થયા છે. સાંતલપુરના અબિયાણા ગામેથી કાંઠાના 10થી વધુ ગામોને જોડતો માર્ગ બંધ થયો છે. અબિયાણાથી રાધનપુર, સમી અને સાંતલપુર તાલુકાના 10થી વધુ ગામોને જોડતા માર્ગ પર બનાસનું પાણી ફરી વળ્યું છે. બનાસનદીમાં પાણી આવતા અમરાપુર, પેદાસપુરા, ગડસઈ, અગીચાણા, જોરાવરગંજ, બિસ્મીલાબાદ, પાટી, વાદળીથર સહીતના ગામોનો વાહન વ્યવહાર બંધ થયો છે. બનાસનદીમાં પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યવહાર બંધ થયો છે. વારાહી ગામે કામ અર્થે આવવા માટે કાંઠાના ગામોના લોકોને આશરે 40/45કિમિનો વધુ અંતર કાપવું પડશે.
રાપર શહેરમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી
રાપર તાલુકામા સાંબેલાધાર વરસાદ ખાબકતા જન જીવન અસ્ત વ્યવસ્ત થયું છે. રાપર શહેરમા છેલ્લા બે દિવસમાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. જેથી શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરનું આંઢવાળું તળાવ ઓગની જતા શહેરીજનોમાં આનંદ છવાયો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે દિવસની અંદર ત્રણ થી છ ઇંચ વરસાદ વરસ્યો છે. જાટાવાડા બાલાસરનો નેશનલ કોઝવે સીઝનમા ત્રીજી વખત ધોવાયો હતો. જેથી પ્રાથળના ગામોનો વાહન વ્યવહાર ફરી અટક્યો હતો.
કચ્છ જિલ્લામાં મેઘસવારી યથાવત્
છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલી મેઘકૃપાથી વરસી રહેલા વરસાદના પગલે આજે પણ કચ્છ જિલ્લામાં મેઘસવારી યથાવત્ રહેતા જિલ્લાના દસે તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાપરમાં રાત્રિથી આજ સવાર સુધીમાં ચારથી પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. તો રાપર તાલુકાના ફતેહગઢ ગેડી વચ્ચેની પાપડી બે કાંઠે વહેતા વાહન વ્યવહાર બાધિત થયો હતો. જિલ્લામાં સવારના છ વાગ્યા સુધીમાં અંજારમાં 1 ઈંચ, અબડાસા 0.76 ઈંચ, ગાંધીધામ 0.92 ઈંચ, નખત્રાણા 0.56 ઈંચ, ભચાઉ 0.32 ઈંચ, ભુજ 1.92 ઈંચ, મુન્દ્રા 0.64 ઈંચ, માંડવી 0.68 ઈંચ, રાપર 4.8 ઈંચ, અને લખપત 0.76 ઇંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાન જિલ્લાનું આકાશ ગોરંભાયેલું રહેતા હજુ વધુ વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. અલબત્ત જિલ્લા મથક ભુજમાં વહેલી સવારે પડેલા સામાન્ય વરસાદ બાદ જ્યુબિલિ સર્કલ, ભાનુશાલી નગર સહિતના વિસ્તારના માર્ગો પર પાણી ભરાઈ જતાં લોકોને પસાર થવામાં હાલાકી ઊભી થઇ હતી.
જામનગરમાં સતત બીજા દિવસે વરસાદ
જામનગરમાં આજે બીજા દિવસે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભાદરવામાં મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જામનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. મેઘરાજા મહેરબાન થઈને મન મૂકીને હેત વરસાવતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યાં છે. વરસાદની ખેંચ પડ્યા બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોને કાચું સોનું વરસી હોય તેવું લાગી રહ્યું છે.
કરજણ ડેમના બે દરવાજા ખોલી 3,583 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
નર્મદા નદીમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા જિલ્લાના નાદોદ તાલુકામાં પણ નર્મદા નદીનાં નીર ફરી વળ્યાં હતાં. ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે. આજ રોજ રાત્રિના સમયે કરજણ ડેમની જળસપાટી 113.52 મીટર ઉપર પહોંચી છે. કરજણ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. જે બાબતની તંત્રને જાણ કરવામાં આવી હતી. જેના પગલે તંત્ર સ્ટેન્ડ બાય રહ્યું છે.
રાજપીપળા પાસે આવેલ કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ડેમ ખાતે પાણીની ભારે આવક થતા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે કરજણ ડેમના બે દરવાજા 0.3 મીટર સુધી ખોલી કરજણ નદીમાં 3,583 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો જેમ કે, રાજપીપળા, ભાચરવાડા, ધાનપુર, ધામનાચા, હજરપુરા જેવાં અનેક ગામોને સાબદાં કરાયાં છે.
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર
આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રગર, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
