આત્મહત્યા એક માનસિક સ્વાસ્થ્ય સમસ્યા છે, જેમાં વ્યક્તિ પોતાને જ ખતમ કરી નાખવાની કોશિશ કરે છે, પરંતુ આવી વ્યક્તિને જો સમયસર સથવારો અને સારવાર મળી જાય તો દુર્ઘટના રોકી શકાય છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં વર્ષ દરમિયાન આવેલા અંદાજે ૨૦-૨૫ જેટલા આવા નિરાશ માનવીઓને દવા તેમજ કાઉન્સેલિંગ થકી આપી પ્રેરક બળનું માનસિક ઈંધણ પૂરું પાળ્યું.
જી.કે.ના મનોચિકિત્સક ડો. શિવાંગ ગાંધી અને ડો. રિધ્ધિ ઠક્કરે ૧૦મી સપ્ટેમ્બર ના રોજ દર વર્ષે ઉજવાતા આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં મનોચિકિત્સા વિભાગમાં સખત ડિપ્રેશનને કારણે પોતાની જિંદગી ટુંકાવવાનું વિચારતા હોય એવા દર્દીઓ આવે છે. પરીક્ષામાં નિષ્ફળતા, ધંધા,બેરોજગારી, નોકરીમાં ખોટ,પોતાને દોષિત ગણવા, પ્રેમમાં વિફળતા, વિગેરેને કારણે ડિપ્રેશનમાં સરી પડે છે અને જ્યારે ડિપ્રેશન વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે વ્યક્તિ આત્મહત્યા કરવા પ્રેરાય છે.
આ વિભાગના હેડ ડોક્ટર મહેશ તીલવાણીના માર્ગદર્શન હેઠળ આવા દર્દીઓને જરૂરી માનસિક સારવાર અને કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
હોસ્પિટલના નવનિયુક્ત કાઉન્સેલર હેતલબેન ગોહિલ અને કરિશ્મા પારેખ કહ્યું કે, આવી નિરાશ વ્યક્તિની વાતો સાંભળવી, સમજવી અને સમજાવવી જોઈએ, તેના વર્તન ઉપર તેના દોસ્તો અને કુટુંબીજનોએ નજર રાખવી જોઈએ અને તેમાંય જો ખબર પડી ગઈ હોય કે અજુગતું થવાનું છે તો તેને ક્યારેય એકલો તો નહીં જ મુકવો જોઈએ, કેમ કે આવી વ્યક્તિ કોઈપણ ક્ષણે આત્મહત્યા કરી લે છે. સતત તેનામાં રહેલી શક્તિને પ્રોત્સાહિત કરી પ્રેરણા આપતા રહેવું જોઈએ. તેમજ દુનિયાની કોઈપણ સમસ્યા જિંદગી કરતાં મોટી નથી વાત ગળે ઉતારવી જોઈએ.
જિંદગી પૂરી કરવાનો વિચાર આવતો હોય અને ડિપ્રેશનમાં હોય તે વ્યક્તિએ મેડિકલ નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ. સકારાત્મક બનવાની કોશિશ કરવી જોઈએ. નવો શોખ કેળવવો, ડિપ્રેશન દૂર કરવા યોગ કસરત કરવી, જિંદગીની મુસીબત કામ ચલાવું છે, તેવી ભાવના જાગૃત કરવી કરવી, દારૂ કે ડ્રગ્સ જેવા વ્યસનથી દૂર રહેવું, કોઈ પણ ડર હોય તો મિત્રો અને કુટુંબીજનો સાથે વાત કરવી અને ઈલાજ માટે સદાય તૈયાર રહેવું.
આ તમામ હકીકતને ધ્યાનમાં રાખીને ડબલ્યુએચઓએ વર્ષ 2023 માટે આત્મહત્યાના રોકથામ માટે “સક્રિય બનીને આશાનો સંચાર કરો” (ક્રિએટિંગહોપ, થ્રુ એક્શન)એવી થીમ આપી છે, કેમકે દર કલાકે વિશ્વમાં ૮૦ વ્યક્તિ આત્મહત્યા કરી લે છે.
