હાલ એશિયા કપની મેચ ચાલી રહી છે. જેમાં ગઈકાલે ભારત-પાકિસ્તાનની મેચ હતી. ત્યારે ભારતે પાકિસ્તાનને કારમી હાર આપતા અડધી રાતે લોકો રોડ પર ઉતરી વિજય ઉત્સવ મનાવવા લાગ્યા હતા. સુરતના ભાગળ વિસ્તારમાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે ફટાકડા ફોડી આતશબાજી કરી ભારતની જીતની ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં સમગ્ર કોટ વિસ્તાર લોકોની ભીડથી ઉભરાઈ ગયો હતો અને ભારત માતાના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ડીજેના તાલે લોકો ઝુમી ઊઠ્યા હતા.
ભારતના વિજયની ઉમળકાભેર ઉજવણી કરી
ભારત-પાકિસ્તાનની મેચ વચ્ચે જ્યારે પણ ભારત જીતે છે ત્યારે સુરતમાં ઉત્સાહભેર લોકો વિજય ઉત્સવ મનાવે છે. આ વખતે પણ ભારતની જીત થતા મોટી સંખ્યામાં લોકો સૌથી જૂના કોટ વિસ્તાર એવા ભાગળ ખાતે મોટી ભેગા થયા હતા અને વિજય ઉત્સવની ઉજવણી કરી હતી. લોકો હાથમાં તિરંગો લઈ રસ્તા વચ્ચે ફટાકડા ફોડી આતશબાજી કરી ભારતના વિજયની ઉમળકાભેર ઉજવણી કરી હતી.
અડધી રાતે સુરત ભારતમાતાના જયઘોષથી ગુંજી ઉઠ્યું
એશિયા કપમાં ભારતે 228 રનથી પાકિસ્તાનને હરાવ્યા બાદ સુરતના ભાગળ ખાતે દૂર દૂરથી તમામ લોકો વિજય ઉત્સવ મનાવવા આવી પહોંચી હતા. જ્યાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ હાથમાં તિરંગા સાથે ‘ભારત માતાની જય’ બોલાવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
ભારત-પાકિસ્તાનની મેચ જ્યારે પણ યોજાઇ છે ત્યારે પોલીસ અગાઉથી જ સચેત થઈ જાય છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ જાય છે. પાકિસ્તાનને મેચમાં હરાવ્યા બાદ ભારતની જીતની ખુશીમાં દર વખતે હજારોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ભાગળ ચાર રસ્તા ખાતે ઉમટી પડતા હોવાથી પોલીસ પણ અહીં અગાઉથી જ બંદોબસ્ત સાથે ગોઠવાઈ ગઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પર પોલીસે ખાસ નજર રાખી હતી. લોકોના ઉત્સાહને પણ પોલીસે અડધી રાતે મનાવા દીધો હતો અને શહેરની શાંતિ અને સલામતી બની રહે તેની પર પણ પોલીસે ખાસ ધ્યાન આપ્યું હતું.
