મુંદ્રા સ્થિત અદાણી પબ્લીક સ્કૂલના તેજસ્વી તારલાઓએ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. પંજાબના લુધિયાણા ખાતે આયોજીત મેટાવર્સ 1.0 સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. બુદ્ધિશાળી વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ અભિગમ સાથે બનાવેલા ગોરીલ્લા ડ્રોન ઉપકરણને સ્પર્ધામાં સર્વોચ્ચ સ્થાન મળતા શાળાની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે.
મેટાવર્સ 1.0 સ્પર્ધામાં અદાણી પબ્લિક સ્કૂલમાં ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતાં ત્રણ વિદ્યાર્થીઓ સાહિલ સતી, ધ્રુવાંશ માંકડ અને શુભમ શામદાસાનીએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ અભ્યાસના સમય ઉપરાંત આ પ્રોજેક્ટને સાકાર કરવા તનતોડ મહેનત કરી હતી. લુધિયાણા ખાતે આયોજીત સ્પર્ધામાં દેશભરની યુવા પ્રતિભાઓએ વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. 24 જેટલા રાષ્ટ્રીય સ્પર્ધકો વચ્ચે APSના ડ્રોન પ્રોજેક્ટને સૌએ વખાણ્યો હતો.
ગોરિલા ડ્રોન્સ એટલે ઇમેજ કેપ્ચર અને વ્યાવસાયિક સેવાઓમાં ઉપયોગી ડ્રોન. શાળાની અટલ ટેકનીકલ લેબ (ATL)ના પ્રશિક્ષક ધ્વનિ આચાર્યના માર્ગદર્શન હેઠળ આ ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે. આર્થિક રીતે પોસાય તેવા ડ્રોન ઉપકરણને બનાવવામાં PVC પાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રોનમાં કેમેરાનો ઉપયોગ કરી તસવીરો કેપ્ચર કરી શકાય છે તેમજ કંટ્રોલર બોર્ડની મદદથી નિયંત્રિત કરી શકાય છે.
રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી વિદ્યાર્થીઓએ શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. વિજેતાઓને પ્રમાણપત્ર સહિત Microsoft 365નું લવાજમ, એક વર્ષ માટે Minecraft એજ્યુકેશન એડિશન તેમજ 7000 રૂપિયાનું રોકડ ઈનામ એનાયત કરવામાં આવ્યું છે.
APSના પ્રવક્તા જણાવે છે કે “અદાણી પબ્લિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ મોડલ્સ બનાવવા માર્ગદર્શન આપવામાં આવે છે. ધ્વનિબેન દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.”
ડ્રોન પ્રોજેક્ટની સફળતા બાદ ATL ખાતે હ્યુમોનોઇડ રોબોટ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. નિર્માણાધિન રોબોટની ખાસ વાત એ હશે કે તે હલનચલન અને નૃત્ય કરી શકશે, ફૂટબોલ રમી શકશે, એટલું જ નહીં સાધારણ માણસની જેમ બોલી પણ શકે છે.
આધુનિક યુગમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ (AI)નું ખુબ જ મહત્વ છે. તેને જોતા રોબોટિક્સ પ્રોજેક્ટ ખુબ જ ઉપયોગી નીવડશે તેવું માનવામાં આવે છે.
