જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના આહાર(ડાયટ) વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહ (૧ થી ૭) દરમિયાન ઉજવાતા રાષ્ટ્રીય પોષણ સપ્તાહ નિમિત્તે, સરહદી ખાવડા પંથકના દિનારા અને ભિરંડિયારા ગામે ગ્રામજનોને ઘરમાં ઉપલબ્ધ આહારથી પણ સ્વસ્થ રહી શકાય છે એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા સુપોષિત ભારતની પરિકલ્પના સાકાર કરવા દર વર્ષે યોજાતા રાષ્ટ્રીય પોષણ સપ્તાહ નિમિતે જી.કે.ના આહારશાસ્ત્રી અનિલાબેન પરમાર અને સોનુબેન યાદવે દિનારા અને ભિરંડિયારા ગામમાં ગ્રામજનોને ૧૦ – ૧૦ના ગ્રુપમાં વિભાજિત કરી માતાઓ અને બાળકો તેમજ ગ્રામજનોને માર્ગદર્શન આપતા કહ્યું કે, પોષાય તેવી કિંમતના ખોરાકથી પણ આરોગ્ય જાળવી શકાય છે. બાજરો એ પૈકીનું એક અનાજ છે, જેનું નિયમિત સેવન કરવા અનુરોધ કર્યો હતો.
બંને ડાયટિશિયને સમજાવ્યું કે, આપણે ઘઉંને ખૂબ લાડ કરીએ છીએ, પરંતુ પેટને સાચા અર્થમાં લાડ તો બાજરો જ લડાવે છે, ‘વિશ્વ મિલેટ વર્ષ’ની ઉજવણીનો ઉલ્લેખ કરી તેમણે સમજાવ્યું કે, બાજરો સૌને પરવડે તેવું અનાજ છે, તેમાં પ્રોટીન ફાઇબર, કેલ્શિયમ, આયર્ન વગેરેનો સમૃદ્ધ ખજાનો છે. બાજરાની પ્રકૃતિ સહેજ ગરમ હોવાથી તેને ઘી દૂધ સાથે લઈ શકાય.
ભારત સરકારે પોષણ વિક અંગે ‘હેલ્ધી એફોર્ડેબલ ડાયટ ફોર ઓલ’ ના થીમ દ્વારા સૌને પોષાય અને સ્વાસ્થ્ય પણ જળવાય એવા બાજરા જેવા ખોરાક ખાવાની સમજ આ કાર્યક્રમમાં આપી હતી અને રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરી હતી.
