~ પરમાર્થ માટે પર્યાવરણ સંવર્ધન અને પરામર્શની સરવાણી
અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીના 58મા જન્મદિનની સેવાકીય કાર્યો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. મુંદ્રા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં પરમાર્થ માટે પર્યાવરણ અને પરામર્શની સરવાણી વહાવવામાં આવી. વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પર્યાવરણની સેવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના આગેવાનોએ સહભાગી બની સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
સરકારી હાઈસ્કૂલ દેશલપર ખાતે બુધવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સાથે અમીબેન શાહે વાર્તાલાપ કર્યો હતો. મુંદ્રામાં ભવિષ્યમાં આવનારા ઉદ્યોગો માટે જરૂરી માનવ સંસાધનો વિકસાવવા કરાયેલા મંથન બાદ નવયુવાઓને સ્થાનિક રોજગારલક્ષી પ્રશિક્ષણ મેળવવા આહ્વવાન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સ્ટેશનરી તેમજ પુસ્તકાલયો માટે પુસ્તકો ભેટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહી, તેઓને ઉત્થાન પ્રોજેક્ટનો લાભ લઈ સક્ષમ બનવા પણ હાંકલ કરવામાં આવી હતી.
અદાણી પબ્લિક સ્કૂલના ડિરેક્ટર મીતાબા જાડેજા તેમજ આચાર્યએ બાળકોને ઉજ્વળ ભાવિ માટે સંકલ્પબદ્ધ કર્યા હતા. કેમ્પસમાં 501 રોપાઓ વાવી વિધાર્થીઓએ તેના જતનની જવાબદારી સ્વયંભૂ સ્વીકારી હતી. એટલું જ નહીં, માડી મંદિર ખાતે પણ વૃક્ષારોપણનો શુભારંભ કરી 8001 વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 250 ખેડૂતોને ફળાઉ રોપાઓના ઉપહાર સહિત ₹. 1૦૦૦૦/- ની મદદ માટે માર્ગદર્શન તેમજ જરૂરી દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત ખેતી અને ખેતીમાં દેશી ગાયના મહત્વ અંગે પરિસંવાદ ઉપરાંત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પ લીધો હતો. પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના સુશીલાદીદીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા પ્રકૃતિના રક્ષણ તેમજ રાસાયણિક ખાતર મુકત ગાય આધારિત ખેતી કરવા અનુરોધ કર્યો હતો.
અદાણી ફાઉન્ડેશન ગુજરાતના સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સહયોગી બનવાની અપીલ કરી હતી.
