~ પોલમાં સામે આવ્યું કે જો રિપબ્લિકન પાર્ટી તરફથી નિક્કી હેલીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તો તે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડેન પર ભારે પડશે
અમેરિકામાં આગામી વર્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે. જેના માટે અનેક ઉમેદવારો દાવેદારી ઠોકી ચૂક્યા છે. વિપક્ષ રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ, વિવેક રામાસ્વામી, નિક્કી હેલી, રોન દેસાંતિસ, માઈક પેન્સ સહિત અનેક ઉમેદવારો રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ છે. અત્યાર સુધી રિપબ્લિકન પાર્ટીની રેસમાં ટ્રમ્પ સૌથી આગળ દેખાઈ રહ્યા છે. જોકે તાજેતરના એક સરવેમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા. આ પોલમાં સામે આવ્યું કે જો રિપબ્લિકન પાર્ટી તરફથી નિક્કી હેલીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તો તે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડેન પર ભારે પડશે.
બાયડેનને હરાવી શકે તેવા એકમાત્ર ઉમેદવાર
સીએનએન/ એસએસઆરએસના એક સરવેના પરિણામોમાં આ માહિતી સામે આવી હતી. પરિણામ અનુસાર જો બાયડેન અને નિક્કી હેલી વચ્ચે જો રાષ્ટ્રપતિ પદ માટે જંગ જામશે તો નિક્કી હેલી બાયડેન પર ભારે પડશે. પોલ અનુસાર નિક્કી હેલીને 49% વોટ મળ્યા હતા. જોકે બાયડેનને ફક્ત 43% વોટ મળ્યા હતા. જ્યારે ટ્રમ્પ અને બાયડેન વચ્ચેની સીધી ટક્કરમાં બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. ટ્રમ્પને આ સરવેમાં 47% વોટ મળ્યા છે જ્યારે બાયડેનને 46% વોટ મળ્યા છે. ટિમ સ્કોટ અને માઈક પેન્સ બંનેને બાયડેનની તુલનાએ 46% અને બાયડેનને 44% વોટ મળ્યા હતા.
રામાસ્વામીની શું છે સ્થિતિ?
ન્યૂજર્સીના ગવર્નર અને રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ક્રિસ ક્રિસ્ટીને 44% વોટ મળ્યા છે જ્યારે બાયડેનને તેમની તુલનાએ 42% વોટ મળ્યા હતા. વિવેક રામાસ્વામી સતત ચર્ચામાં છે. જોકે આ પોલમાં તે બાયડેન સામે પસ્ત થઇ ગયા છે. પોલ અનુસાર બાયડેનને 46% તો રામાસ્વામીને 45% વોટ મળ્યા છે.
ડેમોક્રેટ પણ નિક્કી હેલીને માને છે ખતરો
નિક્કી હેલી રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની દાવેદારી રજૂ કરતી એકમાત્ર મહિલા ઉમેદવાર છે. ડેમોક્રેટ પાર્ટીના નેતાઓ પણ માને છે કે નિક્કી હેલી તેમના માટે ખતરો છે. ડેમોક્રેટ પાર્ટીના એક રણનીતિકારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો રિપબ્લિકન પાર્ટી તરફથી નિક્કી હેલીની પસંદગી કરવામાં આવે તો અમને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
