કચ્છમાં આજે વહેલી સવારથીજ આનંદ અને ઉમંગના દેવ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારો સાથે તાલુકા મથકના શહેરોમાં પણ મટકી ફોડ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જ્યારે કૃષ્ણ મંદિરમાં ભજન , કીર્તન અને પરંપરાગત રાસ ગરબાઓના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. તો જન્માષ્ટમીના પર્વને લઇ ભાવિક જનોએ ગાયોને ઘાસચારાનું દાન કરી જીવદયા દર્શાવી હતી.
વાગડના વ્રજવાણીમાં વૃંદાવન જેવું વાતવરણ સર્જાયું
પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલુ વ્રજવાણીધામ તાલુકા મથક રાપરથી 52 કી.મી.દૂર છે. ધોળાવીરા માર્ગ પરના ઐતિહાસિક અને પૌરાણિક ગામમાં હાલ યદુવંશના આહીર સમાજનું એક પણ ઘર ના હોવા છતાં આહીર સમાજ સંચાલિત ભગવાન કૃષ્ણનું ભવ્ય મંદિર સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. રાધાકૃષ્ણ મંદિરમાં સ્થાપિત એક સાથે આહીરકુળની સતી થયેલી દીકરીઓની કથા દર્શાવતી 140 પ્રતિમાઓ દર્શનાર્થીઓને અનેરી શ્રદ્ધા પુરી પાડે છે. જ્યાં દર વર્ષેની જેમ આજે કૃષ્ણ મહોત્સવન ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવને માણવા હજારો લોકો ઉમટી પડ્યા છે.
જન્માષ્ટમીના આજે પાવન દિવસે અહીં અંદાજિત 15 હજાર જેટલા ભાવિકો ઉપસ્થિત રહી કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયા હોવાનું અગ્રણી ધનજી કેરસિયાએ જણાવ્યું હતું. જ્યારે ઉજવણીમાં સામેલ થયેલા ભાઈઓ અને બહેનો પ્રાદેશિક વસ્ત્રોમાં સજ્જ થઈ અલગ અલગ રાસ રમી પોતાની કૃષ્ણ ભક્તિ પ્રગટ કરી હતી. જ્યાં એક હજાર જેટલા ખૈલેયા એક તાલમાં રાસ રમતા જોવા મળ્યા હતા. ધાર્મિક વિધિ પૂજા બાદ મહા આરતી અને મહા પ્રસાદનો કાર્યક્રમ યોજાશે. દિવસભર ચાલતી ઉજવણી બાદ રાત્રીના 12 વાગ્યે કૃષ્ણ જન્મના આનંદ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનેયા લાલકીના જનઘોષથી આજે વ્રજવાણી નું વાતવરણ વૃંદાવન સમાન બની જાય છે.
ભચાઉમાં 100 દીકરીઓએ તલવાર રાસ રમી લોકોને મંત્રમુગ્ધ કર્યા
ભચાઉમાં જન્માષ્ટમી પર્વે નિમિતે મટકીફોડ તેમજ આનંદોત્સવના કાર્યક્રમ યોજાયા હતા. નગરના શિવજી મહારાજ ગેટ થી મહારાણા પ્રતાપ ગેટ અને જય માતાજી ચોકથી કશી વિશ્વનાથ બટીયા મંદિર સુધી મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન જૂના બસ બસ સ્ટેશન નજીક દુર્ગા વાહિનીની બહેનો દ્વારા ખાસ તૈયાર કરાયેલા તલવાર રાસમાં શહેરની 100 દીકરીઓએ પ્રસ્તુતિ આપી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ વેળાએ રવાડીમાં સામેલ થયેલા ભાવિકો માટે પાણી , છાસ , લસ્સી , ઠંડાપીણાની સેવા આપવામાં આવી હતી. આ કાર્યમાં અંબાધામ પરિવાર , આશાપુરા ગ્રુપ , ભચાઉ મહાવીર અનુકંપા કેન્દ્ર , ભચાઉ દરજી સમાજ , વિશ્વકર્મા કન્સ્ટ્રક્શન સહયોગી બન્યા હતા. આયોજન વ્યવસ્થા પૂર્વ નગરપતિ અને ભચાઉ યુવક મંડળના પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જય માતાજી ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, ભચાઉ મહિલા મંડળ, તેજસ્વિની મહિલા મંડળ, બજરંગદળ ભચાઉ વગેરે સંભાળી હતી.
રાપરમાં પરંપરાગત મટકી ફોડના પ્રસંગો ઉજવાયા
રાપરમાં સ્વાધ્યાય પરિવાર, દરીયાસ્થાન મંદિર, બજરંગ દળ, વિશ્ર્વ હિન્દુ પરિષદ અને સનાતન સમાજ દ્વારા બપોરે બાર વાગે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરીયાસ્થાન મંદિર, રામ મંદિર, ઠાકર મંદિર, રાધાકૃષ્ણ મંદિર, દેના બેંક ચોક વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આંઢવાળા તળાવના કિનારે રત્નેશ્ચર મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાપર શહેર ના આગેવાનો અનુક્રમે એકલ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુ, રસિકલાલ આદુઆણી, નિલેશ કારીયા વસંતભાઈ આદુઆણી, દિલીપ મિરાણી, ભોગીલાલ મજીઠીયા, ઉમેશ સોની, પીઆઈ વી કે ગઢવી, પીએસઆઇ જીબી માજીરાણા, મેહુલ રૈયા, પીએસઆઇ આર આર આમલીયાર, હરેશ ચૌધરી જગુભા જાડેજા તથા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
લખપત તાલુકાના ગડુલી ખાતે પાટીદાર સમાજ દ્વારા સાતમ આઠમની હરસોલા સાથે કરાવી ઉજવણી ગામના મુખ્ય ચોકમાં પાટીદાર સમાજના યુવા યુવતીઓ દ્વારા રાફકરબાની મોજ માણી હતી ધંધાર્થે બહાર વસતા પાટીદાર સમાજના મોટી સંખ્યામાં લોકો શ્રાવણી પર્વ અહીં મનાવવા માટે આવ્યા છે આ સમાજમાં આ પર્વનું એક વિશેષ મહત્વ રહેલું છે અને ધંધાર્થે બહાર રહીને પણ આ પર્વ મનાવવા માટે અહીં આવે છે.
અંજારના રતનાલમાં ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતી ધાર્મિક વિધિ યોજાઈ હતી જ્યારે કૃષ્ણ જન્મોત્સવ રાત્રે 12 વાગ્યે મુખ્ય દાતા પરિવારના નિવાસસ્થાને યોજવામાં આવશે. જ્યાં સમસ્યા ગામનાં લોકો ઉજવણીમાં સામેલ થશે. આજે જન્માષ્ટમી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી જેમાં ગામનાં મુખ્યત્વે આહીર સમાજના લોકો પાતાડેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા, જ્યાં પાસેના મગિયા તળાવમાંથી માટીમાંથી ભગવાન કૃષ્ણ અને મૈયા યશોદાની મૂર્તિ બનાવી ઠાકર મંદિર ખાતે પધરામણી કરી હતી. આ પ્રસંગે સમસ્યા ગામનાં ભાઈઓ બહેનો ભાતીગળ વસ્ત્ર પરિધાન સાથે રવાડીમાં જોડાયા હતા અને મંદિર સંકુલ બહારના જાહેર ચોકમાં રાસ ગરબા રમ્યા હોવાનું રણછોડ છાંગાએ જણાવ્યું હતું. અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગા પણ ઉજવણીમાં હજાર રહ્યા હતા.
