એક દેશ- એક ચૂંટણી અંગે કમિટીએ ચર્ચા શરૂ કરી

~ એક દેશ, એક ચૂંટણી માટે સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આઠ સભ્યોની કમિટીની રચના કરી છે.

દેશમાં લોકસભાની ચૂંટણી સમય પહેલા કે પછી કરાવવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રવિવારે મોડી રાત્રે એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી. ઠાકુરે કહ્યું, ‘સરકારનો સમય પહેલાં કે પછી સામાન્ય ચૂંટણી કરાવવાનો કોઈ ઈરાદો નથી.’

તેમણે કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કાર્યકાળના અંતિમ દિવસ સુધી દેશ અને લોકોની સેવા કરવા માંગે છે. ભાજપ લાંબા સમયથી ચૂંટણીના સમર્થનમાં છે. આનાથી સમય અને પૈસાની બચત થશે. તેનો ઉપયોગ ગરીબો માટે અને દેશના વિકાસ માટે થઈ શકે છે.

ખરેખરમાં સંસદનું વિશેષ સત્ર બોલાવવા અને એક દેશ, એક ચૂંટણી પર ઉચ્ચસ્તરીય સમિતિની રચના બાદ એવી અટકળો વધી હતી કે લોકસભાની ચૂંટણી સમય પહેલા યોજાઈ શકે છે.

વન નેશન-વન ઇલેક્શન પર રામનાથ કોવિંદ કમિટીએ નોટિફિકેશન જાહેર કર્યાના બીજા જ દિવસે તેના પર કામ શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કાયદા મંત્રાલયના ટોચના અધિકારીઓ રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા હતા અને તેમને એક દેશ, એક ચૂંટણીના મુદ્દા પર બ્રીફિંગ આપી હતી. કેન્દ્રીય કાયદા સચિવ અને આ સમિતિના સચિવ નિતેન ચંદ્રા, વિધાનસભા સચિવ રીટા વશિષ્ઠ અને અન્ય લોકો પણ આ અંગે કોવિંદને મળ્યા છે.

એક દેશ, એક ચૂંટણી પર વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયા…

1. રાહુલે કહ્યું- વન નેશન-વન ઇલેક્શનનો વિચાર કેન્દ્ર અને રાજ્યો પર હુમલો છે

  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ X (જે પહેલા ટ્વિટર હતું) પર લખ્યું કે મોદી સરકાર ઈચ્છે છે કે લોકતાંત્રિક ભારત ધીમે ધીમે સરમુખત્યારશાહીમાં ફેરવાઈ જાય. ‘વન નેશન વન ઇલેક્શન’ પર કમિટી બનાવવાનો આ ખેલ એ ભારતના સંઘીય માળખાને નષ્ટ કરવાનું એક કાવતરું છે. 2024માં, લોકો પાસે ‘વન નેશન વન સોલ્યુશન’ છે- બીજેપીના કુશાસનથી છૂટકારો મેળવવો.
  • આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશ માટે શું મહત્વનું છે? વન નેશન વન ઇલેક્શન કે વન નેશન વન એજ્યુકેશન (ધનિક હોય કે ગરીબ, બધા માટે સમાન સારું શિક્ષણ), વન નેશન વન ટ્રીટમેન્ટ (ધનિક હોય કે ગરીબ, બધા માટે સમાન સારી સારવાર), વન નેશન વન ઇલેક્શનથી સામાન્ય માણસને શું મળશે?

એક દેશ-એક ચૂંટણી સમિતિમાં 8 સભ્યો, અધીર રંજન અને ગુલામ નબીના નામ પણ છે
2 સપ્ટેમ્બરે સરકારે એક દેશ-એક ચૂંટણી માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી કમિટી માટે આઠ સભ્યોના નામ જાહેર કર્યા હતા.

જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને રાજ્યસભામાં વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબીના નામ સામેલ છે.

તેમના ઉપરાંત, કમિટીમાં 15મા નાણાં પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એન.કે. સિંહ, લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને ભૂતપૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર સંજય કોઠારી પણ છે.

કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ સમિતિના વિશેષ આમંત્રિત અને કાયદા વિભાગના સચિવ નિતેન ચંદ્રા તેના સચિવ હશે.

અધીર રંજન ચૌધરીએ કમિટીમાં સામેલ થવાનો ઇનકાર કરતા કહ્યું કે પરિણામો પહેલાથી જ નક્કી છે. જો કે, સરકારી સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી ANIએ જણાવ્યું હતું કે નામો સાથેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તે પહેલાં અધીર રંજન ચૌધરીએ ‘વન નેશન-વન ઈલેક્શન કમિટિ’નો ભાગ બનવા માટે પોતાની સંમતિ આપી દીધી હતી.

અધીર રંજને કહ્યું- હું આ કમિટીમાં કામ નહીં કરું
કમિટીમાં નામ આવ્યા બાદ અધીર રંજને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે હું આ કમિટીમાં કામ નહીં કરું. તેની રચના એવી રીતે કરવામાં આવી છે કે પરિણામો અગાઉથી નક્કી કરી શકાય. સામાન્ય ચૂંટણીઓ પહેલા, આવી કમિટી સરકારના ખોટા હેતુઓ તરફ નિર્દેશ કરે છે, જે બંધારણીય રીતે શંકાસ્પદ સિસ્ટમ લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે.

તેમણે કહ્યું કે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ ન કરવો એ સંસદીય લોકશાહીનું અપમાન છે.

સરકારે કહ્યું- દર વર્ષે નિશ્ચિત સમય વગર ​​​​​​​યોજાતી ચૂંટણીઓ અટકાવવી જોઈએ
ડિસેમ્બર 2015માં સંસદની સ્થાયી કમિટીએ તેના 79મા અહેવાલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવાની ભલામણ કરી હતી. શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં સરકારે લો કમિશનના 170મા રિપોર્ટને ટાંકીને કહ્યું છે કે દર વર્ષે અને નિર્ધારિત સમય વગર યોજાતી ચૂંટણીઓ અટકાવવી જોઈએ.

સરકારે કહ્યું કે ફરી એકવાર 1951-52 થી 1967 સુધી ચાલતી એક દેશ, એક ચૂંટણીની વ્યવસ્થા પરત કરવામાં આવે. અસાધારણ સંજોગોમાં અલગ ચૂંટણી યોજવી જોઈએ. નિયમ એવો હોવો જોઈએ કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પાંચ વર્ષમાં એકવાર યોજવી જોઈએ.

મોદી સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી વિશેષ સત્ર બોલાવ્યું
એક દેશ એક ચૂંટણીની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. તે 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે. આમાં 5 બેઠકો થશે. આ સત્રને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. આ સત્ર શા માટે બોલાવવામાં આવ્યું છે તે અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

Leave a comment