PM ડિગ્રી વિવાદમાં કેજરીવાલની કોર્ટમાં તારીખ પે તારીખ 

અરવિંદ કેજરીવાલ PM મોદીના ડિગ્રી વિવાદમાં જબરદસ્ત ભેખડે ભરાયા છે. એક કોર્ટમાં જવાબ આપે છે તો બીજી કોર્ટ સવાલ કરે છે. ત્યાં જવાબ આપે છે તો ત્રીજી કોર્ટ હાજર રહેવા સમન્સ પાઠવે છે. મેટ્રો કોર્ટથી શરૂ થયેલો આ વિવાદ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીને હવે પાછો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. 29 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ચાલતી કાર્યવાહી સામે સ્ટે આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થશે. ત્યારે આવો જોઇએ કે શું છે સમગ્ર વિવાદ અને અરવિંદ કેજરીવાલનું આ કેસમાં ક્યાં કાચુ કપાઇ ગયું? 

હાઈકોર્ટે 31 માર્ચે ચુકાદો આપી પૂર્ણ વિરામ મૂક્યું હતું 
અરવિંદ કેજરીવાલે PM નરેન્દ્ર મોદીની ડિગ્રી માગી હતી. જે મુદ્દે સેન્ટ્રલ માહિતી કમિશનરે ગુજરાત યુનિવર્સિટીને અરવિંદ કેજરીવાલને ડિગ્રીની કોપી આપવા જણાવ્યું હતું. જે આદેશની સામે યુનિવર્સિટી 2016માં ગુજરાત હાઇકોર્ટ ગઈ હતી. ગુજરાત હાઈકોર્ટે PM નરેન્દ્ર મોદીની ડિગ્રીના મુદ્દાના કેસ પર 31 માર્ચ, 2023ના રોજ ચુકાદો આપતા પૂર્ણ વિરામ મૂક્યું હતું અને અરવિંદ કેજરીવાલને ડિગ્રી ન બતાવવા જણાવ્યું હતું. ત્યારબાદ પણ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 01 એપ્રિલના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને PMની ડિગ્રી પર અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા હતા. તે બાબત ટ્વીટર હેન્ડલ પર પણ મુકવામાં આવી હતી. બીજા દિવસે 02 એપ્રિલના રોજ સંજયસિંઘે પણ PMની ડિગ્રીને લઈને પ્રેસ કરી હતી તેમજ ટ્વીટર હેન્ડલ પર વિગતો મૂકી હતી. આ પ્રેસ અને ટ્વીટમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરાયો હતો. 

મેટ્રો કોર્ટમાં કેજરીવાલ અને સંજયસિંઘ સામે બદનક્ષીની ફરિયાદ 
યુનિવર્સિટી વતી કુલસચિવ ડૉ.પિયુષ પટેલે મેટ્રો કોર્ટમાં IPC 500 અંતર્ગત બંને સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ કેજરીવાલ અને સંજયસિંઘની પ્રેસના વીડિયો, ટ્વીટના પુરાવા કોર્ટ સમક્ષ મુક્યા હતા. જેમાં ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવા શબ્દો ઇરાદાપૂર્વક બોલાયાનો આક્ષેપ કરાયો છે. ફરિયાદીએ એમ પણ જણાવ્યું હતું કે PMની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર પ્રસિદ્ધ છે. કેજરીવાલ રાજ્યસેવક હોવા છતાં વ્યક્તિગત ટિપ્પણી કરે છે. આ ટિપ્પણીથી ગુજરાત યુનિવર્સિટી ખોટી અને બોગસ ડિગ્રી આપે છે, તે ફ્રોડ એક્ટિવિટી કરે છે. તેવી છાપ લોકોમાં પડે છે. 

31 ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં અને 16 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં વધુ સુનવણી થશે 
અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘના વકીલ ઓમ કોટવાલ છે. જયારે ગુજરાત યુનિવર્સિટીના વકીલ અમીત નાયર છે. 29 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ચાલતી કાર્યવાહી સામે સ્ટે આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થશે, તો 31 ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં અને 16 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં વધુ સુનવણી થશે. ઉપરાંત અરવિંદ કેજરીવાલે હાઇકોર્ટના 31 માર્ચના ચુકાદા મુદ્દે રિવ્યુ પિટિશન દાખલ કરી છે. જેમાં જણાવાયું છે કે PM મોદીની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર નથી. જેની 18 સપ્ટેમ્બરની મુદત પડી છે. 

Leave a comment