જીએસટી લાગુ થયા પહેલા વેટ કરપ્રણાલી ચાલતી હતી. તે સમયના બાકી લેણાં માટે કરદાતાઓના બેન્ક ખાતા ટાંચમાં લીધા છે. આમ કરદાતાઓના બેન્ક એકાઉન્ટ પર ટાંચ મુકીને બેન્કો પાસેથી જે તે ખાતેદારના ડિમાન્ડ ડ્રાફ્ટ મંગાવી લેવાયા છે.
જીએસટી પહેલા વેટ સમયે મેન્યુઅલ ટેકસ ભરીને તેની ચલણ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવું પડતું હતું. મોટા ભાગના કેસમાં કરદાતા દ્વારા આ પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. તેમ છતાં જેે તે સમયે અધિકારીઓએ તે ચલણ ખતવવાની બાકી રહી ગયા હતા. જેના કારણે કરદાતાઓના ખાતામાં ટેક્સની રકમ બાકી દેખાતી હતી. જેને લઇને ડિપાર્ટમેન્ટે આવા કરદાતાના બેન્ક એકાઉન્ટ ટાંચમાં લીધા છે. કરદાતા બેન્કના વ્યવહાર કરવા ગયા ત્યારે તેમને ખબર પડી કે તેમના બેન્ક એકાઉન્ટ ઉપર ડિપાર્ટમેન્ટે ટાંચ મુકીને ખાતામાં રહેલી રકમ ઉપાડી લીધી છે. કરદાતા જ્યારે ડિપાર્ટમેન્ટમાં જઇને તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે, વેટના બાકી લેણાં માટે તેમના બેન્ક એકાઉન્ટ ટાંચમાં લેવામાં આવ્યા છે.
