2030 સુધીમાં પેટ્રોલમાં ઈથેનોલની માત્રા 50 ટકા પહોંચાડવા માટે માર્ગરેખા તૈયાર 

પેટ્રોલમાં ઈથેનોલ મિકસ કરવાના કાર્યક્રમ સામે અનેક પડકારો ઊભા થઈ રહ્યા હોવા છતાં દેશની ખાંડ મિલો આકાર્યક્રમને લઈને ઉત્સાહી જણાય છે અને ૨૦૩૦ સુધીમાં પેટ્રોલમાં ઈથેનોલના મિક્સિંગની ટકાવારી પચાસ ટકા સુધી લઈ જવા  યોજના ધરાવે છે.  

આ ટાર્ગેટ સિદ્ધ કરવા  દેશની ડિસ્ટિલરીઓની ક્ષમતા વધારવાની રહેશે અને તે પાછળ રૂપિયા ૫૦,૦૦૦ કરોડનો ખર્ચ થઈ શકે એમ છે એમ ઉદ્યોગ દ્વારા તાજેતરમાં સરકાર સમક્ષ કરાયેલી રજુઆતમાં જણાવાયું હતું. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઈસ્મા) દ્વારા આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ઈસ્મા દ્વારા નીતિ આયોગ સમક્ષ આ રજુઆત કરવામાં આવી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૫ સુધીમાં પેટ્રોલમાં ઈથેનોલની ટકાવારી ૨૦ ટકા સુધી લઈ જવાની સરકારની યોજના છે જે માટે રૂપિયા ૧૫૦૦૦ કરોડનો ખર્ચ કરવાનો રહેશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.  સરકાર સમક્ષ કરાયેલી રજુઆતમાં દેશમાં ઈ-૧૦૦ ફલેકસ ફ્યુઅલ વ્હીકલ્સ (એફએફવી) જે ૧૦-૧૦૦ ટકા ઈથેનોલ મિકસ પેટ્રોલ પર ચાલી શકે તે લોન્ચ કરવા અનુરોધ કરાયો હતો.  પેટ્રોલમાં પચાસ ટકા ઈથેનોલના ટાર્ગેટને સિદ્ધ કરવા દેશમાં ઈથેનોલના ૩૦ અબજ લિટર પૂરવઠાની આવશ્યકતા રહેશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. આમાંથી ૧૫થી ૧૭ અબજ લિટર શેરડી આધારિત મોલાસિસમાંથી મેળવી શકાશે જ્યારે બાકીનું મકાઈ, ચોખા જેવા અનાજ તથા અન્ય સ્રોતોમાંથી મેળવવાનું રહેશે. પચાસ ટકા મિક્સિંગને કારણે દેશના વિદેશી હૂંડિયામણમાં વાર્ષિક ૧૫ અબજ ડોલરની બચત થઈ શકશે. આનાથી પેટ્રોલની આયાત ઘટશે એટલું જ નહી ખેડૂતોની આવકમાં અંદાજે ૧.૮૦ લાખ કરોડનો વધારો થશે.  સૂચિત મિક્સિંગ કાર્યક્રમ સંપૂર્ણ રીતે લાગુ થઈ જવા બાદ દેશમાં વધારાની ખાંડ ઈથેનોલના ઉત્પાદન તરફ વાળી શકાશે અને ભારતને ખાંડ નિકાસ કરવાની આવશ્યકતા નહીં રહે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. 

Leave a comment