ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર આઇસીસી વન ડે વર્લ્ડ કપનો ઉદ્ઘાટન સમારંભ તા. 4 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. વર્લ્ડ કપના સમારોહમાં તમામ 10 ટીમના કેપ્ટન હાજર રહેશે જ્યારે ભારતીય પરંપરા અને સંસ્કૃતિ આધારિત મનોરંજક કાર્યક્રમ યોજાશે. જો કે વિશ્વ કપના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કયા કલાકારો અને બોલિવૂડ સ્ટાર ઉપસ્થિત રહેશે તે હજુ બીસીસીઆઇએ જાહેર કર્યું નથી.
વર્લ્ડ કપનો પ્રારંભ તા. પ ઓક્ટોબરે થવાનો છે. અમદાવાદમાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહેલી મેચમાં ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને રનર્સ અપ ટીમ ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. તેના એક દી’ પહેલાં આ જ સ્થળે ઓપનિંગ સેરેમનીનું આયોજન થયાના અહેવાલ છે. આ ઉપરાંત તમામ કેપ્ટન તેમાં હાજર રહેશે અને ખેલભાવનાના શપથ લેશે. સમારોહમાં આઇસીસી સાથે જોડાયેલા મોટાભાગના સભ્ય ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પણ હાજર રહેશે.
ઉદ્ઘાટન સમારોહમાં 6 ટીમના કેપ્ટને ઉતાવળમાં અમદાવાદ પહોંચવું પડશે, કારણ કે 6 ટીમ તા. 3 ઓક્ટોબર સુધી વોર્મ અપ મેચ રમતી હશે. તા. 3 ઓક્ટોબરે ભારત-નેધરલેન્ડ વચ્ચે થિરૂવનંથપુરમ ખાતે, ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે હૈદરાબાદમાં અને શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચે ગુવાહાટીમાં વોર્મઅપ મેચ રમાવાની છે. આ મેચ ખતમ થયા બાદ આ ટીમોના સુકાનીઓએ તુરત અમદાવાદ પહોંચવાનું રહેશે.
