~ ચાઈનાના અર્થતંત્રને વેગ આપવા હાઉસીંગ ક્ષેત્રે નવા પ્રોત્સાહનો છતાં કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૭૪ ગબડયો
ચાઈનાએ તેના અર્થતંત્રને પતનથી ઊગારવા મકાનની ખરીદી માટેના નિયમો હળવા કરવા સહિતના નવા સ્ટીમ્યુલસ પગલાં લેવા છતાં વૈશ્વિક ફુગાવો વધી રહ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર માટે વધતી ચિંતાને લઈ વૈશ્વિક શેર બજારો સાથે ભારતીય શેર બજારોમાં સપ્તાહના અંતે આજે શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેનની જેકશન હોલ ખાતે ફુગાવા, વ્યાજ દર મામલે સ્પિચ પર નજર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલીસી કમિટી(એમપીસી)ની મીનિટ્સમાં પણ ફુગાવા મામલે ચિંતા વ્યકત કરીને ચાંપતી નજર રાખવાનો નિર્દેશ આપવામાં આવતાં શેરોમાં નવી ખરીદી ધીમી પડી હતી. ફંડોએ કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, આઈટી, મેટલ-માઈનીંગ, એફએમસીજી, હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ઓફલોડિંગ કરતાં સેન્સેક્સ ૩૬૫.૮૩ પોઈન્ટ ગબડીને ૬૪૮૮૬.૫૧ અને નિફટી સ્પોટ ૧૨૦.૯૦ પોઈન્ટ તૂટીને ૧૯૨૬૫.૮૦ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવાયેલી મોટી તેજી બાદ આજે વ્યાપક નફારૂપી વેચવાલી નીકળી હતી. જીએમઆર એરપોર્ટસ રૂ.૨.૬૯ તૂટીને રૂ.૬૨.૧૪, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫.૪૫ તૂટીને રૂ.૪૭૧, થર્મેક્સ રૂ.૭૦.૯૦ ઘટીને રૂ.૨૬૯૩.૭૦, એબીબી ઈન્ડિયા રૂ.૯૪.૩૫ ઘટીને રૂ.૪૨૪૧.૬૦, ભેલ રૂ.૨.૩૦ ઘટીને રૂ.૧૦૫.૩૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૧૦૯.૬૦ ઘટીને રૂ.૫૦૪૦, ભારત ફોર્જ રૂ.૧૯.૯૦ ઘટીને રૂ.૧૦૨૧.૮૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૮.૦૫ ઘટીને રૂ.૨૬૩૯.૪૫, હનીવેલ ઓટોમેશન રૂ.૬૧૪ તૂટીને રૂ.૪૦,૧૫૨.૫૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૫.૦૫ ઘટીને રૂ.૪૬૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૭૩.૭૩ પોઈન્ટ તૂટીને ૪૩૯૯૧.૭૦ બંધ રહ્યો હતો.
ચાઈના પાછળ મેટલ શેરોમાં ફરી ધોવાણ : જિન્દાલ સ્ટીલ, જેએસડબલ્યુ, વેદાન્તા, હિન્દાલ્કો, નાલ્કો ઘટયા
ચાઈનાની આર્થિક હાલત કફોડી બની રહી હોઈ સ્ટીમ્યુલસના નવા પગલાં છતાં ફંડોએ વધતી વૈશ્વિક ચિંતાએ મેટલ-માઈનીંગ શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. જિન્દાલ સ્ટીલ રૂ.૧૫.૩૫ તૂટીને રૂ.૬૩૩.૬૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૭૭૩, વેદાન્તા રૂ.૪.૨૦ ઘટીને રૂ.૨૩૩.૩૫, હિન્દાલ્કો રૂ.૬.૫૫ ઘટીને રૂ.૪૪૯.૯૦, નાલ્કો રૂ.૧.૨૭ ઘટીને રૂ.૮૮.૪૩, એનએમડીસી રૂ.૧.૫૫ ઘટીને રૂ.૧૧૯.૪૫, ટાટા સ્ટીલ રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૧૬.૯૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૩૯.૭૬ પોઈન્ટ ઘટીને ૨૧૨૫૬.૯૨ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો : કેનેરા બેંક, ઈન્ડસઈન્ડ, એયુ બેંક, સ્ટેટ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે તેજીનો વેપાર હળવો કર્યો હતો. કેનેરા બેંક રૂ.૬.૩૦ ઘટીને રૂ.૩૨૫.૫૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૬.૯૦ ઘટીને રૂ.૧૩૯૭.૮૦, એયુ સ્મોલ ફાઈનાન્સ રૂ.૯.૩૫ ઘટીને રૂ.૭૩૬, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૪૫ ઘટીને રૂ.૫૭૦.૨૫, એચડીએફસી બેંક રૂ.૧૬.૮૫ ઘટીને રૂ.૧૫૬૧.૯૫ રહ્યા હતા. આ સાથે એલ એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૪.૩૫ ઘટીને રૂ.૧૨૧.૫૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૦.૨૦ ઘટીને રૂ.૨૯૩.૯૦, હુડકો રૂ.૧.૯૭ ઘટીને રૂ.૭૧.૪૩, સીએસબી બેંક રૂ.૮.૫૦ ઘટીને રૂ.૩૧૯.૮૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૨૯.૨૫ ઘટીને રૂ.૧૧૬૭.૨૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ વચ્ચે ટયુબ ઈન્વેસ્ટ રૂ.૧૧૧ ઉછળ્યો : ઉનો મિન્ડા, ટીવીએસ મોટર ઘટયા
ચોમાસાની પ્રગતિ મંદ પડતાં ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે વાહનોના વેચાણને ફટકો પડવાની ચિંતાએ આજે ઓટોમોબાઈલ શેરોમાં પણ એકંદર પ્રોફિટ બુકિંગ થયું હતું. અલબત ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૧૦.૯૫ ઉછળીને રૂ.૨૮૮૧.૪૫ રહ્યો હતો. જ્યારે ઉનો મિન્ડા રૂ.૧૨.૭૦ ઘટીને રૂ.૫૯૨.૩૫, ટીવીએસ મોટર રૂ.૨૩.૬૦ ઘટીને રૂ.૧૩૩૯.૩૦, અપોલો ટાયર્સ રૂ.૬.૦૫ ઘટીને રૂ.૩૮૯.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૨.૫૫ ઘટીને રૂ.૧૫૨૦.૦૫, ટાટા મોટર્સ રૂ.૫.૪૦ ઘટીને રૂ.૬૦૫.૪૫, હીરો મોટોકોર્પ રૂ.૧૭.૭૦ ઘટીને રૂ.૨૯૦૮.૭૦, મારૂતી સુઝુકી રૂ.૫૨.૫૦ ઘટીને રૂ.૯૫૧૭.૭૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧.૪૫ ઘટીને રૂ.૨૩૭૨ રહ્યા હતા.
પરાગ મિલ્ક રૂ.૨૮ ઉછળી રૂ.૨૦૪ : ડોડલા ડેરી, જયોતી લેબ વધ્યા : બજાજ હિન્દ, કેઆરબીએલ ઘટયા
એફએમસીજી શેરોમાં એકંદર પ્રોફિટ બુકિંગ વચ્ચે પસંદગીના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. પરાગ મિલ્ક ફૂડ રૂ.૨૭.૮૫ વધીને રૂ.૨૦૩.૫૦, ડોડલા ડેરી રૂ.૨૮.૨૫ વધીને રૂ.૭૩૯ રહ્યા હતા. જ્યારે બજાજ હિન્દુસ્તાન રૂ.૧.૪૯ ઘટીને રૂ.૨૩.૫૫, એલટી ફૂડ્સ રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૧૬૬, કેઆરબીએલ રૂ.૧૩.૯૫ ઘટીને રૂ.૩૯૯.૬૫, ધામપુર સુગર રૂ.૬.૭૦ ઘટીને રૂ.૨૫૫.૬૫, શ્રી રેણુકા સુગર રૂ.૧.૧૯ ઘટીને રૂ.૪૫.૬૧, અવધ સુગર રૂ.૧૧.૫૫ ઘટીને રૂ.૫૨૫.૦૫ રહ્યા હતા.
ડિજીસ્પાઈસ ટેક, સુબેક્ષ, કોફોર્જ, એમ્ફેસીસ ઘટયા : ક્વિક હિલ, ૬૩ મૂન્સ, માસ્ટેક, બિરલાસોફ્ટમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. ક્વિક હિલ ટેક રૂ.૧૧.૭૦ વધીને રૂ.૨૦૦.૪૦, ૬૩ મૂન્સ ટેકનોલોજીમાં સતત ખરીદીએ શેર રૂ.૧૬.૩૦ વધીને રૂ.૩૪૩, માસ્ટેક રૂ.૯૦.૫૦ વધીને રૂ.૨૨૯૦, બિરલાસોફ્ટ રૂ.૧૦.૧૦ વધીને રૂ.૪૮૫, સિગ્નિટી ટેક રૂ.૧૪.૬૫ વધીને રૂ.૭૮૧ રહ્યા હતા. જ્યારે ડિજિસ્પાઈસ ટેક રૂ.૨.૧૫ તૂટીને રૂ.૪૦.૯૭, સુબેક્ષ રૂ.૧.૧૯ ઘટીને રૂ.૩૪.૨૫, એમ્ફેસીસ રૂ.૬૮.૫૦ ઘટીને રૂ.૨૩૯૩.૯૫, કોફોર્જ રૂ.૧૩૧.૯૦ ઘટીને રૂ.૫૨૫૯, લેટેન્ટ વ્યુ રૂ.૭.૪૦ ઘટીને રૂ.૪૨૯ રહ્યા હતા.
રિલાયન્સની ૨૮મીએ એજીએમ : જિયો ફાઈ.માં ધોવાણ અટક્યું : શેર રૂ.૨૦૨ થઈ અંતે વધી રૂ.૨૧૫
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થઈ શેર બજારો પર ૨૧, ઓગસ્ટના લિસ્ટ થયેલી જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડના શેરોમાં સતત ચાર દિવસ મોટા વોલ્યુમે વેચવાલી નીકળતાં ૨૦ ટકા ધોવાણ થયા બાદ આજે શેર રૂ.૨૦૨.૮૦ના ઘટયામથાળેથી પાછો ફરી ખરીદી નીકળતાં અંતે રૂ.૧.૦૫ વધીને રૂ.૨૧૪.૫૦ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૨૮, ઓગસ્ટ ૨૦૨૩ના મળનારી એજીએમ પૂર્વે શેરમાં સતત પ્રોફિટ બુકિંગે રૂ.૧૧.૪૫ ઘટીને રૂ.૨૪૬૮.૩૫ બંધ રહ્યો હતો.
સેબીના સર્વેલન્સના અહેવાલે મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં ગાબડાં : ૨૨૦૦ શેરો નેગેટી બંધ
સ્મોલ, મિડ કેપ શેરોની ફાટમફાટ તોફાની તેજી અંકુશ બહાર જવા લાગી હોવાના અને આ તેજીની નિરંકુશ તોફાનમાં રોકાણકારોની સુરક્ષા માટે મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ સર્વેલેન્સ વધાર્યાના અહેવાલ વચ્ચે આજે ઓપરેટરોની અનેક સ્ક્રિપોમાં ગાબડાં પડવાની શરૂઆત થઈ જતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૦૦ અને વધનારની ૧૪૪૪ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૪૬૩૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૪૧૪ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૪૬૩૮.૨૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૯૨૯.૬૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૫૬૭.૮૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૪૧૪.૩૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૫૪૨.૪૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૧૨૮.૦૯ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૮૩ લાખ કરોડ ઘટીને રૂ.૩૦૬.૮૪ લાખ કરોડ
શેરોમાં આજે વ્યાપક વેચવાલી થતાં અનેક શેરોના ભાવો ઘટી આવ્યા સાથે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૮૩ લાખ કરોડ ઘટીને રૂ.૩૦૬.૮૪ લાખ કરોડ રહી ગયું હતું.
જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૬૬૩, હોંગકોંગનો હેંગસેંગ ૨૫૬ પોઈન્ટ તૂટયા : યુરોપમાં સાધારણ મજબૂતી
ચાઈનાની આર્થિક હાલતે એશીયાના બજારોમાં આજે સાર્વત્રિક ધોવાણ થયું હતું. જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૬૬૩૨.૯૩ પોઈન્ટ તૂટીને ૩૧૬૨૪.૨૮, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૨૫૫.૭૯ પોઈન્ટ ગબડીને ૧૭,૯૫૬.૩૮ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં સાંજે સાધારણ મજબૂતી રહી હતી.
