ભારતના કુસ્તી પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(WFI)નું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. ભારતીય કુસ્તી ખેલાડીઓ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.
UWWએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને એક પત્ર લખ્યો હતો
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે 30 મેના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને એક પત્ર લખીને કહ્યું હતું કે જો આગામી 45 દિવસમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા માટે કોઈ ચૂંટણી નહીં થાય, તો યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ સ્થગિત કરી દેશે. ભારતીય મહિલા કુસ્તીબાજોના બ્રિજભૂષણ શરણ સામેના જાતીય શોષણના આરોપોને પગલે રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના પદાધિકારીઓને સસ્પેન્ડ કરીને ADHOC સમિતિની રચના કરી હતી. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એમએમ કુમારને કુસ્તી મહાસંઘની નવી ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ અગાઉ UWW વિનંતી સાથે સૈદ્ધાંતિક રીતે સંમત થઈ હતી
આ અગાઉ કુસ્તી માટેની વિશ્વની સંચાલક સંસ્થા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)એ ભારત માટે વિશ્વ ચેમ્પિયનશિપ માટે અંતિમ પ્રવેશો સબમિટ કરવા માટે 16 ઓગસ્ટની સમયમર્યાદા લંબાવવાની એડહોક સમિતિની વિનંતી સાથે સૈદ્ધાંતિક રીતે સંમત થઈ હતી.
