ભારત તથા યુએઈ વચ્ચે વેપાર પતાવટ રુપી-દીરહામમાં  થાય તે માટે  પ્રયત્નો 

ભારત તથા યુનાઈટેડ  આરબ અમીરાતસ (યુએઈ) વચ્ચેના વેપારની પતાવટ રુપી અથવા દીરહામમાં કરવા પોતાના કલાયન્ટસ  (ટ્રેડરો)ને સમજાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સ્થાનિક બેન્કોને અનુરોધ કરી રહી છે. રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ તથા ડોલર પરની નિર્ભરતા ઘટાડવાના ભાગરૂપ આ અનુરોધ આવી પડયો છે. 

જે દેશો સાથે ભારતની વેપાર ખાધ છે તેમની સાથે વેપાર પતાવટ સ્થાનિક કરન્સીઝમાં થાય તે માટે રિઝર્વ બેન્ક પ્રયત્નશીલ છે. 

ગયા નાણાં વર્ષમાં યુએઈ સાથે ભારતની ૨૧.૬૨ અબજ ડોલરની વેપાર ખાધ રહી હતી. જે કુલ ખાધના ૮.૨૦ ટકા જેટલી હતી.  

સરહદપાર વેપાર માટે સ્થાનિક કરન્સીઝ મારફત ચૂકવણી કરવા લોકલ કરન્સીઝ સેટલમેન્ટ પદ્ધતિની  બન્ને દેશો વચ્ચે ૧૫ જુલાઈના થયેલા સમજૂતિ કરાર હેઠળ સ્થાપના કરવામાં આવી છે. 

સ્થાનિક ચલણમાં પતાવટથી ડોલરનો આઉટફલોઝ ઘટી શકે છે. વેપારની પતાવટ રૂપિયા-દીરહામમાં કરવા કલાયન્ટસને પ્રોત્સાહિત કરવા રિઝર્વ બેન્કે દેશની બેન્કોને અનુરોધ કર્યો છે, એમ રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. 

ભારત તથા યુએઈ વચ્ચે કેટલો વેપાર સ્થાનિક ચલણમાં થાય તે માટે રિઝર્વ બેન્ક ટાર્ગેટ નિશ્ચિત કરવા ધારે છે.  

લોકલ કરન્સીઝ સિસ્ટમ પદ્ધતિને કારણે વેપાર ખર્ચ તથા સમયમાં બચત થશે અને સ્થાનિક ચલણો પરની નિર્ભરતામાં વધારો થશે. લોકલ કરન્સી સેટલમેન્ટ (એલસીએસ) પદ્ધતિ હેઠળ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. તથા અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની વચ્ચે ક્રુડ ઓઈલનો પ્રથમ સોદો પાર પડયો  હોવાનું  ગયા સપ્તાહમાં એક અહેવાલમાં જણાવાયું હતું. દસ લાખ બેરલ ક્રુડ તેલનું વેચાણ આ  સોદા હેઠળ આવરી લેવાયું છે. વિદેશ વેપારમાં સ્થાનિક ચલણમાં પતાવટના વોલ્યુમનો હાલમાં ચોક્કસ આંક ઉપલબ્ધ નથી.  

યુએઈ ભારત માટે ક્રુડ તેલનું ચોથુ મોટુ અને એલએનજી તથા એલપીજી માટે બીૅજો મોટો પૂરવઠેદાર છે. ગયા નાણાં વર્ષમાં બન્ને દેશો વચ્ચે ૩૫.૧૦ અબજ ડોલરના પટ્રોલિયમ પ્રોડટકસનો વેપાર થયો હતો. 

Leave a comment