રક્તદાન એટલે બીજાની નસોમાં દોડતું થયેલું પ્રેરણાત્મક પરમાર્થ , એવી રક્તદાન વિશેની ઉક્તિને જી.કે. જનરલ અદાણી હોસ્પિટલની બ્લડ બેંકે વધુ એક વખત સાકાર કરી છે.
અત્રેની બ્લડ બેન્કના હેડ ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાયએ કહ્યું કે, રક્તદાતાનું લોહી કેટલાયની નસોમાં વહેતું થાય છે અને તેના સહારે ઘણા દેહમાં જીવે છે, આવું જીવતદાન અત્રેની હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગમાં મહિલાની ઓબસ્ટ્રોક્ટિવ હિસ્ટ્રોકટોમી (ગર્ભાશયની કોથળી કાઢવી) ઓપરેશન દરમિયાન પુષ્કળ લોહી વહી જતા શરીરમાં તેની પૂર્તતા માટે એક સાથે જુદા જુદા ઘટકો ધારક ૯ બોટલ લોહી આપી માતાને જીવનદાન આપવામાં આવ્યું હતું. લોહીના આ નવ બોટલમાં ચાર બેગ હોલબ્લડ, બે બોટલ રક્તકણો અને ત્રણ બોટલ પ્લાઝમા જુદા પાડી બ્લડ બેન્ક દ્વારા લોહી પૂરું પાડવામાં આવ્યું હતું. રેસિડેન્ટ ડોક્ટર ભૂમિ કોરડીયાએ જણાવ્યું હતું કે, સ્ત્રીરોગ વિભાગમાં ત્રીજી ડિલિવરી માટે એડમિટ થયેલી માતાને પ્લાઝેન્ટા ઈનક્રેટા અર્થાત ગર્ભમાં બાળકને પોષણ આપતું માધ્યમ જે ગર્ભાશયના ત્રણેય પડમાં આવી જતા કોથળી કાઢવાની નોબત આવી હતી. આ શસ્ત્રક્રિયા દરમિયાન તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થઈ અને બ્લડ બેન્કએ લોહી પૂરું પાડતા બ્લડ બેન્ક વધુ એક વખત જીવનદાયીની પુરવાર થઈ હતી. આ ઓપરેશન ડો. ચાર્મી પવાણી, ડો. વિનોદ મકવાણા અને ડો.પ્રતીક્ષા વાંસદડિયાએ કર્યું હતું. માતા અને બાળક અત્યારે સ્વસ્થ છે.આમ,જી.કે. જનરલ હોસ્પિટલની બ્લડ બેંક અને રક્તદાન શિબિરો દ્વારા પ્રાપ્ત થતું રક્ત માતા અને બાળક બંનેને બચાવવા નિમિત્ત બન્યું.
