વર્ષાઋતુમાં મચ્છર અને પાણીજન્ય રોગોની સાથે ભેજ તથા વાદળછાયા વાતાવરણની અસર કાન ઉપર પણ પડતી હોવાથી કાનની અનેક નાની મોટી સમસ્યાઓ સંબંધિત દર્દીઓની સંખ્યાનું પ્રમાણ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં વધુ જોવા મળી રહ્યું છે.
હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ.અને ઈ. એન. ટી. વિભાગના હેડ ડો.નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે, સંક્રમણને કારણે, ભેજને લીધે તથા કાનમાં વેક્સને લીધે દર્દ થાય છે. શરદી અને સળેખમને કારણે પણ કાનમાં ખંજવાળ થાય છે તેમજ ભારેપણું લાગતું હોય છે
વરસાદી વાતાવરણમાં કાનની સમસ્યાથી બચવા માટે કેટલીક ટીપ્સ આપતા ડોક્ટર હિરાણીએ સૂચવ્યું કે, કાનનું વહેવું અને પડદાની બીમારીને કારણે લોકો શરદીથી પીડિત હોય છે. કાન અને નાકની વચ્ચે આવેલી યુસ્ટોકિન ટ્યુબ ઉચિત કાર્ય ન કરે ત્યારે આવું થતું હોય છે. શરદી અને એલર્જીને નિયંત્રણમાં રાખવા ધૂળ ધુમાડો અને ઠંડીથી બચતા રહેવું.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, વરસાદમાં ભેજથી ફંગસ થઈ જતું હોવાથી કાનમાં દર્દ થાય તો પણ નવશેકું તેલ નાખવાની ભૂલ કરવી નહીં. આવા વાતાવરણમાં કાનમાં પાણી ન જાય તે માટે નાહતી વખતે કાનમાં વેસલીન વાળું રૂ લગાવી નાહવું જોઈએ. ઇયરબડના ઉપયોગથી પણ પરેશાની વધી શકે છે.
સૌથી અગત્યની બાબતો પર ધ્યાન દોરતાં તબીબોએ કહ્યું કે, જાતે કાનની સફાઈ ક્યારે કરવી નહીં, કાનમાં થતા ઇયર વેક્સને બોલચાલની ભાષામાં મેલ કહેવાય છે. આવો મેલ કાનમાં થાય તો જાતે જ નીકળી જવાની સ્વયં સતત પ્રક્રિયા ચાલતી હોય છે. ટૂંકમાં કાનની જાતે છેડછાડ કરવાથી દૂર રહેવું અને જરૂર જણાય તો તબીબની સલાહ લઈને સારવાર કરવી.
