છેલ્લા દોઢ-બે માસથી મહિલાઓને રાતે પાણીએ રોવડાવી બજેટ ખોરવનારા ટમેટાના ભાવોમાં અંતે 40થી 50 ટકા જેટલો ઘટાડો થતાં મહિલા વર્ગે હાશકારો અનુભવ્યો છે. ગત ફેબ્રુઆરીથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કમોસમી વરસાદના પગલે ટમેટાનો પાક નિષ્ફળ જવાથી ઉત્પાદન ઘટતાં ટમેટાના ભાવોમાં દેશભરમાં આસમાને પહોંચ્યા હતા.
પરંતુ છેલ્લા પખવાડિયા કરતાં વધુ સમયથી વરસાદે પોરો ખાતાં ગુજરાત તેમજ મહારાષ્ટ્રના નાસિક અને બેંગ્લોર સહિતના સ્થળેથી વધુ માલની આયાત થતાં કચ્છમાં ખાસ કરીને જિલ્લામથક ભુજમાં છેલ્લા બેથી અઢી મહિનાથી 200થી 250ના ભાવે વેચાતા ટમેટાંના ભાવોમાં 40થી 50 ટકાનો ઘટાડો થઈ 100થી 120ના થતાં ગૃહિણીઓએ રાહતનો દમ લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દાળ-શાકમાં જરૂરી ગણાતા આ ટમેટાના ભાવો સફરજનને પણ આંબી જઈ રૂા. 300 સુધી પહોંચતા તેની ચર્ચા સંસદ અને વિધાનસભામાં પણ ઉઠવા પામી હતી. છેલ્લા 15 દિવસથી વધુ સમયથી વરસાદે પોરો ખાધો છે જેને પગલે ટમેટા સહિત વેલા પર થતા શાકભાજીનું ઉત્પાદન વધવાથી ભાવો નીચા આવ્યા છે. મોટાભાગના ટમેટાનું ઉત્પાદન મહારાષ્ટ્રના નાસિક, બેંગ્લોરમાં થાય છે, જ્યાંથી ગુજરાતના અમદાવાદ, વડોદરા, ડીસા, રાજકોટથી કચ્છ સુધી પહોંચતા હોય છે. હાલ નાસિક અને બેંગ્લોરમાં વરસાદ બંધ થવાથી ટમેટાનો પાક વધુ ઉતરતાં કચ્છમાં સપ્લાય થતાં ભાવો નીચા આવ્યા છે, હજુ પણ એકાદ મહિના સુધીમાં વધુ નીચા આવવાનીયે ધારણા છે, પરંતુ જો વરસાદ થશે તો ફરી આયાત અટકવાથી ભાવોમાં થોડી તેજી જોવા મળશે.
દરમ્યાન છેલ્લા બે-અઢી મહિનાથી કચ્છની બજારોમાં ટમેટાના ભાવો 200-250 થઈ જતાં કિલોના હિસાબે ખરીદતા અનેક ગ્રાહકોએ અઢીસો ગ્રામ સુધીની માંડમાંડ ખરીદી કરતા હતા, જેમાં 50 રૂપિયામાં માત્ર ચારેક નંગ ટમેટા આવતા હતા, હવે ભાવોમાં ઘટાડો થતાં ગૃહિણીઓના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી. ગુરુવારે ભુજની બજારમાં 100થી 120ના ભાવે ટમેટા વેચાયા હતા. જોકે, જથ્થાબંધ કેરેટના ભાવો રૂા. 80થી 90ના રહ્યા હોવાનું વેપારીઓમાંથી જાણવા મળ્યું હતું.
