AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ રહેશે.
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને નકલી સહી કેસમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને નકલી સહી કેસમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ગૃહમાં તેમના વર્તનને સૌથી નિંદનીય વર્તન તરીકે વર્ણવવામાં આવ્યું હતું.
બીજેપી સાંસદ પીયૂષ ગોયલે રાઘવ ચઢ્ઢાના કેસનો ઉલ્લેખ કર્યો
રાજ્યસભામાં બીજેપી સાંસદ પીયૂષ ગોયલે રાઘવ ચઢ્ઢાના કેસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર બાબત છે, જે રીતે સભ્યની જાણ વગર તેમનું નામ યાદીમાં મૂકવામાં આવ્યું છે, તે ઘણું ખોટું છે.
શું છે સમગ્ર મામલો?
મામલો એ રીતનો છે કે, પાંચ સાંસદોનો દાવો છે કે તેમની સંમતિ વિના દિલ્હી સર્વિસ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના પ્રસ્તાવમાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ રજૂ કર્યો હતો. ભાજપના ત્રણ સાંસદો છે, જેમાં એક બીજેડી અને એઆઈએડીએમકેના સાંસદ છે જેમણે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે તપાસની માંગ કરી હતી.
સંજય સિંહ પણ ગૃહમાંથી સસ્પેન્ડ
AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સંજય સિંહને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે પીયૂષ ગોયલે કહ્યું કે, તેમને જે રીતે વર્તન કર્યું તે પણ અત્યંત નિંદનીય છે. સસ્પેન્શન બાદ પણ તેઓ ગૃહમાં બેસી રહ્યા. જેના કારણે ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી. આ ખુરશીનું અપમાન છે. સંજય સિંહ અત્યાર સુધીમાં 56 વખત વેલમાં આવી ચુક્યા છે, જે દર્શાવે છે કે તેઓ ગૃહની કાર્યવાહી ખોરવવા માંગે છે. રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી સંજય સિંહ સસ્પેન્ડ રહેશે.
