કુલદીપ યાદવે તોડ્યો યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ

~ ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચ 7 વિકેટે જીતી લીધી છે

~ સુર્યકુમાર યાદવે ત્રીજી T20 મેચમાં 83 રનની શાનદાર ઇનિંગ રમી હતી

ભારતીય ક્રિકેટ ટીમના ચાઈનામેન લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ અત્યાર સુધી ઘણો સારો રહ્યો છે. વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ કુલદીપ T20 સિરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચ 7 વિકેટે જીતી લીધી છે. સૂર્યકુમાર યાદવે આ મેચમાં બેટિંગ કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે કુલદીપે બોલિંગમાં પોતાની 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. આ સાથે કુલદીપે T20 ઈન્ટરનેશનલમાં એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે.

T20 ઇન્ટરનેશનલમાં 50 વિકેટ

કુલદીપ યાદવે T20 ઇન્ટરનેશનલમાં 50 વિકેટ પૂરી કરી લીધી છે. તે ઈજાના કારણે આ T20 સિરીઝની બીજી મેચમાં રમી શક્યો ન હતો. આ પછી ત્રીજી મેચમાં સંપૂર્ણરીતે ફિટ થઇને પરત ફર્યો હતો અને તેણે બોલ સાથે ટીમ માટે મેચ વિનિંગ પ્રદર્શન પણ કર્યું હતું. કુલદીપે આ મેચમાં જોન્સન ચાર્લ્સ, બ્રેન્ડન કિંગ અને નિકોલસ પુરનને પોતાનો શિકાર બનાવ્યો હતો.

યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી નીકળ્યો આગળ

ભારતીય ટીમ માટે અત્યાર સુધી 30 T20 મેચ રમી ચૂકેલા કુલદીપે 14.28ની એવરેજથી 50 વિકેટ ઝડપી છે. આ સાથે તે હવે ભારત માટે આ ફોર્મેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે હતો, જેણે વર્ષ 2019માં પોતાની 34મી T20 ઈન્ટરનેશનલ મેચમાં 50 વિકેટ લીધી હતી.

વર્ષ 2023માં કુલદીપે 22 વિકેટ ઝડપી

વનડે ફોર્મેટમાં વર્ષ 2023માં કુલદીપ યાદવનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે અને તે ટીમ માટે મેચ વિનિંગ બોલર સાબિત થયો છે. કુલદીપે આ વર્ષે અત્યાર સુધીમાં 11 મેચમાં 17.18ની એવરેજથી 22 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે એક મેચમાં 4 વિકેટ પણ લીધી છે.

Leave a comment