જી.કે.જન.અદાણી હોસ્પિ.ના આંખના તબીબોએ કંજક્ટિવાઈટીસ રોગ સામે સાવચેતી,સારવાર અંગે આપ્યું માર્ગદર્શન

~ બાળકોને કંજક્ટિવાઈટીસના ચેપ સામે ખાસ સાચવવા  જરૂરી

ચોમાસાની ઋતુ દરમિયાન વાતાવરણમાં ભેજ અને વરસાદ તથા પવનને કારણે વાયરસ અને બેક્ટેરિયાને જોઈતો માહોલ મળી જતા જુદા જુદા રોગો આ ઋતુમાં ફેલાય છે, તેમાં કંજક્ટિવાઈટીસ એટલે કે લાલ આંખ પણ એક છે, જે હવાને કારણે અને ચેપને કારણે તેનો ફેલાવો વધે છે.

કેટલાક  કિસ્સામાં તો માત્ર એલર્જી હોય છે, જેમાં આંખ લાલ થવી, આંખમાંથી પાણી વહેવું, અને ખંજવાળ આવવી વિગેરે હોય છે.  સારવાર માટે એન્ટિ એલર્જી અને આંખ ઉપર ઠંડી પટ્ટી લગાવી શકાય છે, આવું વાયરલ સંક્રમણ માત્ર એક બે સપ્તાહમાં મટી જાય છે અગર બેક્ટેરિયાને કારણે વાયરસ સંક્રમણ હોય તો એન્ટિબાયોટિક દવાની જરૂર પડે છે. જોકે, હાથની સફાઈ રાખવી આવશ્યક છે. એમ જી.કે. જનરલ હોસ્પિટલના નેત્ર રોગ નિષ્ણાંત ડો. કવિતા શાહ અને ડો. અતુલ મોડેસરાએ જણાવ્યું હતું.

આ ચેપ અંગે તેમણે કહ્યું કે, બાળકોને આવી પરિસ્થિતિમાં સાચવવાની જરૂર છે, કેમકે બાળકો પોતાનું ધ્યાન રાખી શકતા ન હોવાથી વાલીઓ અને શાળાના શિક્ષકોની ભૂમિકા વધી જાય છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં આવતા રોજના કુલ્લ દર્દીઓ પૈકી  બાળકો પણ હોય છે. એમ રેસિ.ડો. મીત પરીખે જણાવ્યું હતું.

બાળકો ઉપરાંત તેમણે  સ્વિમિંગ પૂલમાં નાહવાનું ટાળવા કહી, ઉમેર્યું કે સંક્રમિત વ્યક્તિ આવા પુલ પાણીમાં નાહે તો પણ સંક્રમણ વધી શકે છે.

સંક્રમણથી બચવાના અન્ય ઉપાયો અંગે તબીબો એ કહ્યું કે, ભીડભાળ વાળી જગ્યાએ જવાનું ટાળવું, જવું જ પડે તો ચશ્મા પહેરવા, હાથ સેનેટાઇઝરથી સાફ કરવા, આંખ અને ચહેરાને વારંવાર સ્પર્શ કરવો નહીં. આમ તો આ છુવા-છુત ની બીમારી નથી, પણ આંખમાંથી વહેતા પ્રવાહીના સ્પર્શથી થઈ શકે છે.

છતાં સંક્રમણ થયું જ હોય તો તેનો ફેલાવો અન્ય સુધી પહોંચે નહીં, તે માટે સંક્રમિત વ્યક્તિએ પોતાના ટુવાલ કે રૂમાલ બીજાને વાપરવા આપવા નહીં,સંક્રમિત વ્યક્તિએ પથારી અલગ રાખવી જોઈએ, આંખ ઉપર દિવસમાં ત્રણથી ચાર વાર પાણી છાંટવું જોઈએ, જો આંખ લાલ હોય અને દર્દ થાય તો  તબીબનો સંપર્ક કરવો જરૂરી છે. તબીબની સૂચના વિના કોઈ પણ સ્ટીરોઈડનો ઉપયોગ નહીં કરવા  તેમણે જણાવ્યું હતું. 

Leave a comment