ભુજથી વેપારી સાથે મુંબઈ આવેલી યુવતી દ્વારા હની ટ્રેપનો કારસો

~ ૬૨ વર્ષના વેપારી પાસેથી ભુજનું મકાન તથા ૩૦ લાખ પડાવવા કાવતરું ઘડવામાં આવ્યાનો પર્દાફાશ

કચ્છ-ભુજના એક ૬૨ વર્ષના વેપારીને મીઠી-મીઠી વાતોમાં ભોળવી, તેનો વિશ્વાસ સંપાદન કરી તેને મુંબઈમાં હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરનાર બે મહિલા સહિત ચાર જણની મુંબઈ પોલીસે મીરા રોડથી ધરપકડ કરી હતી. આરોપીઓએ વેપારીના અર્ધનગ્ન ફોટા પાડી ૩૦ લાખની માગણી કરી હતી. જો તે શક્ય ના હોય તો ગુજરાતનું ઘર એક આરોપી મહીલાને નામે કરાવવા ધમકાવ્યા હતા. આરોપીઓમાં રાજેશ પટેલ ઉર્ફે કનૈયા હિરાલાલ નાથ (૩૫),  ધર્મેશ જોશી (૩૬), કુસુમ આસીફા ખલીફા (૩૭) અને જાનકી ચાવડા (૩૦)નો સમાવેશ થાય છે. આ તમામ લોકો ગુજરાત-કચ્છના જ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને આ પ્રકરણ વ્યાપક હની ટ્રેપનું હોવાની શંકા છે, કારણ કે પોલીસને આરોપીઓના મોબાઇલમાં અન્ય એક પુરુષનો પણ અર્ધનગ્ન ફોટો મળી આવ્યો છે.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ માહિતી મુજબ આ કેસની મહિલા આરોપી કુસુમ આસીફા ખલીફાનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. આ મહિલા ભુજમાં તેની માતાને ત્યાં વેપારીના ઘર સામે જ રહે છે. ખલીફાએ વેપારીના ૨૦ વર્ષના માનસિક અસ્વસ્થ પુત્રનું ધ્યાન રાખવાની સાથે જ ઘરના અન્ય નાના-મોટા કામ પણ કરી આપવા જણાવ્યું હતું. ગયા મહિને અન્ય આરોપીઓ સાથે ખલીફા અને ચાવડા મુંબઈ આવી હતી અને વેપારી કે જેમનો મલાડમાં પણ ફ્લેટ તેમ જ દુકાન છે. તેમને મુંબઈ ફેરવવા લઈ જવાનો આગ્રહ કર્યો હતો. વેપારી આ લોકોને મુંબઈ  ફરવા લઈ આવ્યા હતા. દરમિયાન આરોપીઓએ ગ્રાન્ટ રોડના એક ગેસ્ટહાઉસમાં બે રૃમ બુક કરાવ્યા હતા. ખલીફાએ વેપારીને રૃમમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર જાનકી ચાવડા ખાવાનું લાવવાનું બહાનું કાઢી બહાર જતી રહી હતી. થોડા સમય બાદ ગેસ્ટહાઉસના રૃમના બારણે ટકોરા પડયા હતા અને ખલીફાએ થોડા સમય બાદ દરવાજો ખોલતા જોશી, નાથ અને જાનકી રૃમમાં ધસી આવ્યા હતા. આ સમયે વેપારીને તેમણે અર્ધનગ્ન  હાલતમાં જોયા હતા અને તેમને ધમકાવી આ અવસ્થામાં જ તેમનો વિડિયો બનાવવાની શરૃઆત કરી. પ્રથમ તેમનો ફોન છીનવી લીધો હતો. ત્યાર બાદ આરોપીઓએ વેપારીને તેમની બહેન પર જાતીય અત્યાચાર ગુજારતો હોવાની ધમકી આપી, આ વિડિયો વાયરલ કરશે તેવું જણાવ્યું હતું. જો આ બધામાં ન પડવું હોય તો વેપારીને ૩૦ લાખ ચૂકવવા જણાવ્યું હતું. જ્યારે વેપારીએ તેમને કહ્યું કે તેમની પાસે આટલી મોટી રકમ નથી ત્યારે આરોપીઓએ તેને કચ્છનું ઘર ખલીફાના નામે કરવા જણાવ્યું હતું. બે આરોપીઓ ત્યાર બાદ ઘરના કાગળિયા મેળવવા વેપારીને મલાડના ઘર સુધી લઈ આવ્યા હતા. અહીં વેપારીએ તેના મોટા પુત્રને પોલીસમાં જાણ કરવાનું કહેતા બન્ને ભાગી છૂટયા હતા. મલાડ પોલીસે આ કેસ ડીબી માર્ગ પોલીસને ટ્રાન્સફર કર્યા બાદ અહીંના ઉચ્ચાધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક ટીમે ૨૮થી વધુ ગેસ્ટ હાઉસ અને હોટેલની તપાસ કરી મીરા રોડથી બન્ને આરોપીઓને પકડી પાડયા હતા. ત્યાર બાદ બીજા દિવસે બન્ને આરોપી મહિલાઓને પણ પકડી પાડી હતી. પોલીસે આ ચારેય સામે ખંડણી સહિતની અન્ય કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. 

Leave a comment