અદાણી સ્કીલ ડેવ. દ્વારા છેલ્લા સાત વર્ષથી મુન્દ્રા અને ભુજમાં ચાલે છે કૌશલ્ય વિકસાવવાના કેન્દ્રો

અદાણી સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આજના યુવાનો માટે આદર્શ સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું નિર્માણ કરવા સાથે તેઓ રોજગારી ઊભી કરી શકે એ હેતુસર કચ્છમાં અત્યાર સુધી 15000 જેટલા યુવાનોને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે.

વિશ્વમાં દર વર્ષે 15મી જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવે છે. ભારત એ સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે. આજના સમયમાં શિક્ષણ સાથે કૌશલ્ય વર્ધન પણ સમાન રીતે જરૂરી બન્યું છે. ત્યારે કચ્છમાં યુવાનોને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે રોજગાર હાંસલ કરવા સક્ષમ બની શકે તે માટે અદાણી સ્કીલ ડેવલપમેન્ટનાં ભુજ અને મુન્દ્રા કેન્દ્ર મઘ્યે વિવિધ તાલીમ કાર્યક્રમો ચલાવવામાં આવે છે, આ કેન્દ્રો પર અત્યાર સુધી 6000 થી વધુ તાલીમ પામી ચૂકેલા યુવાનો રોજગારી મેળવી રહ્યાં છે.

દસમું કે બારમું ફેલ તથા અધવચ્ચે શિક્ષણ છોડી દીધેલા યુવાઓ વળતર સાથેની તાલીમી ફી ચૂકવી સકારાત્મક દિશામાં આગળ વધી શકે છે. સક્ષમનાં તાલીમ કેન્દ્રો ઉદ્યોગો માટે જરૂરી મેન પાવર ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરે છે. તેમના દ્વારા જુદી જુદી કંપની, સંસ્થા, સરકારી વિભાગો સાથે રહીને તથા સરકાર દ્વારા પ્રાપ્ત કૌશલ્ય વિકાસ યોજનાઓ અમલમાં લાવીને યુવાઓને તાલીમબદ્ધ કર્યા છે. જેમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, મિશન મંગલમ મુખ્ય છે. તે સિવાય અદાણી ફાઉન્ડેશનનાં સહકારથી મુન્દ્રા મઘ્યે માછીમાર યુવાનો તથા ભુજ મઘ્યે પાલારા ખાસ જેલના કેદીઓ માટે જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત વર્તણુકલક્ષી તાલીમ પણ આપવામાં આવી છે. શાળાના બાળકો માટે પણ જિલ્લા શિક્ષણાધિકારી તથા કોલેજના યુવાનો માટે કચ્છ યુનિવર્સિટી દ્વારા ખાસ સમજૂતી કરાર હેઠળ વિવિધ તાલીમ કોર્ષ સક્ષમ સેન્ટર દ્વારા ચલાવવામાં આવ્યા હતા.

કચ્છના સેન્ટરો દ્વારા નર્સિંગ આસિસ્ટન્ટ, જીએસટી ટેલી, RTG ક્રેન ઓપરેટર, નાણાકીય સાક્ષરતા, કમ્પ્યુટર, ફર્સ્ટ એડ, ડાયેટ એન્ડ ન્યુટ્રિશન, સિલાઈ, પાર્લર, મડવર્ક, તથા ઉદ્યોગસાહસિકતા વિકાસનાં તાલીમ કાર્યક્રમો ચલાવવામાં આવે છે.

Leave a comment