જી.કે.જન.અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સકોએ સવારનો તડકો અને વિટામિન “ડી” લેવા ઉપર મૂક્યો ભાર

~ જુલાઈમાં સૂર્યના દક્ષિણાયનથી કિરણોમાં તીવ્રતા ઘટતાં સંવેદનશીલ માનવીનો મૂડ બગડી શકે

વર્ષાઋતુમાં વાતાવરણમાં આવતા પલટાવ  સાથે વ્યક્તિના મૂડ(મનોભવના)માં પણ બદલાવ આવે છે. જી.કે.જન. અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબોએ આવી પરિસ્થિતિ થવાનું કારણ અને મૂડને બહેતર કરવા માટે ઉપાયો સૂચવ્યા છે.

મનોચિકિત્સા વિભાગના ડો.મહેશ ટીલવાણીએ જણાવ્યું હતું કે, સૂર્ય જાન્યુઆરીથી જૂન સુધી ઉતરાયણનું પરિભ્રમણ પૂર્ણ કર્યા બાદ જુલાઈમાં છ મહિના સુધી  દક્ષિણાયાનમાં આવે છે, આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ હોય છે. વર્ષાઋતુ બેસી ગઈ હોય છે, ત્યારે સૂર્યના કિરણોની તીવ્રતા ઘટે છે. આ વાતાવરણ માનવીના શારીરિક તાપમાનમાં પણ ધૂપ છાંવ માફક ઉપર નીચે થતા સંવેદનશીલ લોકોનો મૂડ બગડવાની સંભાવના વધી જાય છે. તેમાંય ડિપ્રેશનના દર્દીને આ ઋતુમાં વધુ અસર થતી જોવા મળે છે,તેથી તેમણે સાવચેત રહેવું જરૂરી છે. 

તડકો ન મળવાથી પ્રથમ અસર મગજને થાય છે, જેથી જ્ઞાનતંતુઓના ન્યુરોટ્રાન્સમીટર જેમ કે, ડૉપામાઈન, સિરોટોનીન અને નોરએડરીનાલીન ઘટી જાય છે, જેની સીધી અસર શરીરના રોજબરોજના કાર્ય ઉપર થાય છે.  જેથી શરીરની ઉર્જા, ખાન-પાન,નિંદ્રા અને પાચન ક્રિયા નાદુરસ્ત થાય છે. જીવનશૈલીમાં આવતા આ બદલાવને નજર અંદાજ કરવાને બદલે મનોચિકિત્સકની મુલાકાત લઈ સારવાર લેવી જરૂરી બને છે.

મનોચિકિત્સક ડો.શિવમ ગાંધી અને ડો. રિદ્ધિ ઠક્કરે ઉમેર્યું કે, વર્ષાઋતુમાં સર્જાતી આ માનસિક અવસ્થાને સિઝનલ અફેકટીવ ડિસઓર્ડર  (એસ.એ.ડી.) કહેવાય છે, જેમાં કાઉન્સેલિંગ અને જરૂર પડે દવા  મહત્વનો ભાગ ભજવે છે. ઉપાય અંગે રેસીડેન્ટ ડો.બંસીતા પટેલ અને ડો. કંગના દેસાઈએ જણાવ્યું કે, સવારનો તડકો લેવો એ શ્રેષ્ઠ ઉપાય છે, જેનાથી વિટામિન “ડી” મળે છે, જે શરીરની માંસપેશી મજબૂત બનાવે છે, પરંતુ વધુ પડતા તડકાથી પણ બચવું જોઈએ. આ તકલીફમાં કૃત્રિમ ૨૦૦૦ લૂમેન્સવાળી લાઇટમાં એક થી બે કલાક બેસવાથી પણ ફાયદો થાય છે.

આ ઋતુમાં આવા મૂડ ડિસઓર્ડરથી બચવા ભોજનમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન “ડી” મળે તેવો ખોરાક લેવા કાઉન્સેલર કરિશ્માબેન પારેખે જણાવ્યું કે,મશરૂમ,સોયા,દૂધ અને દૂધની બનાવટ ચીઝ અને સંતરામાં પણ આ વિટામિન મળે છે.

Leave a comment