૧૨૦૦ કિલોમીટર મુસાફરી કરીને આવેલો હરપ્રિતસિંઘ માત્ર કેરિયર નથી પણ ડ્રગ્સ વેચનાર

ભુજની ભાગોળે માધાપર પાસેથી પોલીસની ટીમોએ ૨.૧૦ કરોડ રૃપિયાની કિંમતના ૪૨૦ ગ્રામ હેરોઈનનો જથ્થો પકડી પાડયો છે. પંજાબના ડ્રગ્સ ડીલર કુલદિપસિંઘ પાસેથી હેરોઈનનો જથ્થો લઈને ચાર મળતિયા સાથે આવેલો હરપ્રિતસિંઘ કચ્છમાં ડ્રગ્સ વેચવાનો હતો. મતલબ કે, હરપ્રિતસિંઘ માત્ર કેરિયર નથી પણ ડ્રગ્સ વેચવા માટે આવ્યો હતો. કચ્છમાં ઊંચા ભાવે હેરોઈન ખરીદનાર મળી જશે તે ગણતરીએ હરપ્રીત તેના ત્રણ સાગરિતો સાથે આવ્યો હતો અને ભુજ કે ગાંધીધામમાં ગ્રાહકની તલાશ હતી.  શેખપીર ત્રણ રસ્તા પાસેના હરભોલે ગેસ્ટહાઉસમાં રાતવાસો કર્યા પછી પંજાબમાં ગેંગસ્ટર તરીકે પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખ્સ સહિતની ટોળકી હેરોઈનનો જથ્થો ભુજ જ લઈ જતી હતી તે પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે. શેખપીરના ગેસ્ટહાઉસથી માધાપર તરફ ત્રણ કિલોમીટર આવતાં જ ભુજથી છ કિલોમીટર પહેલાં પોલીસની પાંચ ટીમોએ બ્રિઝા કારને આંતરી હતી. એસઓજી પી.આઈ.એ સર્વિસ રિવોલ્વરમાંથી બે અને કમાન્ડોએ એકે- ૪૭માંથી ત્રણ મળી કુલ પાંચ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું.  એવી ચર્ચા છે કે, ભુજ ઉપરાંત ગાંધીધામમાં પણ રેવ પાર્ટી કલ્ચર તેમજ યુવા વર્ગમાં નશાખોરી ચિંતાજનક રીતે વધી છે. આ સંજોગોમાં ૨.૧૦ કરોડનું ડ્રગ્સ ભુજ જ આપવાનું હતું કે ગાંધીધામમાં પણ વેચવાનું હતું? આ સૌથી મોટો સવાલ અને તપાસનો મુખ્ય મુદ્દો પોલીસ પાસે છે.

ભુજ-માધાપર હાઈવે ઉપર ઈન્ડિયન પેટ્રોલ પમ્પ સામે પોલીસે હેરોઈન સાથે સરતાજસિંઘ રસપાલસિંઘ જાટ (ઉ.વ. ૪૨, મરગીન્દપુરા, જી. તરનતારન, પંજાબ), રનજીતસિંઘ જગીરસિંઘ જાટ (ઉ.વ. ૩૦, મરગીન્દપુરા, જી. તરનતારન, પંજાબ), હરપ્રિતસિંઘ જસવિંદરસિંઘ જાટ (ઉ.વ. ૨૭, ગરયાલા, જી. તરનતારન, પંજાબ), દલેરસિંઘ જોગીન્દરસિંઘ જાટ (ઉ.વ. ૪૭, મરગીન્દપુરા, જી. તરનતારન, પંજાબ) અને ગુરબેજસિંઘ સરવિન્દરસિંઘ જાટ (ઉ.વ. ૩૪, મરગીન્દપુરા, જી. તરનતારન, પંજાબ)ને ઝડપી લીધાં હતા. આરોપીઅ પાસેથી બ્રિઝા કારના સ્ટીયરિંગ ઉપરના ડેસ્કબોર્ડમાં છૂપાવેલું ૨.૧૦ કરોડની કિંમતનું ૪૨૦ ગ્રામ હેરોઈન કબજે કરવામાં આવ્યું છે. પકડાયેલા હરપ્રિતસિંઘે ડ્રગ્સનો જથ્થો તરનતારનના જ કુલદીપસિંઘ પાસેથી ખરીદ્યો હતો. ડ્રગ્સનો જથ્થો આપનાર કુલદીપસિંઘ ડ્રગ્સના અન્ય કેસમાં વોન્ટેડ છે. ૨.૧૦ કરોડનું હેરોઈન પકડાવા અંગે માધાપર પોલીસ સ્ટેશન ખાતે વિધીવત્ ગુનો નોંધાયો છે. હેરોઈન ઉપરાંત છ મોબાઈલ ફોન, પાંચ લાખની કાર અને રોકડા ૨૨૦૦ રૃપિયા મળી કુલ ૨.૧૫ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે.

પશ્ચિમ કચ્છ એસ.પી. ડો. કરણરાજ વાઘેલાએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ૨.૧૦ કરોડના હેરોઈન સાથે પકડાયેલા પાંચ આરોપીમાં એક ગેંગસ્ટર છે. આરોપી સામે પંજાબમાં લૂંટ, આર્મ્સ એક્ટ, ચોરી સહિતના અનેક ગુના નોંધાયેલાં છે. આરોપીઓને ઝડપી લેવા માટે એસ.ઓ.જી. પી.આઈ. વી. વી. ભોલાએ સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ તેમજ કમાન્ડોએ એકે-૪૭માંથી ૩ રાઉન્ડ મળી કુલ પાંચ ગોળી ફાયર કરવામાં આવી હતી. ફાયરિંગમાં પાછળનું ટાયર બર્સ્ટ કરી કાર કોર્ડન કરી ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે, ગેસ્ટહાઉસમાં રોકાયેલા બે લોકોને દોઢ કિમી પીછો કરી પોલીસે પકડયા છે. 

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, કચ્છમાં ડ્રગ્સની હેરાફેરી સામે કડક પગલાં ભરવા એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ અને ભુજ પોલીસ ઉપરાંત ટેકનિકલ એક્સપર્ટ વોચ રાખી રહ્યા છે. લોકલ ઈન્ટેલિજન્સ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. ડ્રગ્સના ગોરખધંધામાં ભુજ-કચ્છની લિન્ક બાબતે તપાસ ચાલી રહી છે. એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ સામેનું પંચનામું કર્યું છે. અન્ય વિગતો આરોપીની તપાસ બાદ સ્પષ્ટ થશે. મોબાઈલ અને સોશિયલ ડેટા નેટવર્ક તપાસ કરવામાં આવશે. મુન્દ્રા પી.આઈ. હાદક ત્રિવેદીને તપાસ સોંપાઈ છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલાં પાંચ આરોપીઓ અગાઉ ભુજ, કચ્છ કે ગુજરાત આવ્યા છે કે કેમ, અન્ય રાજ્યમાં ડીલીવરી કરાઈ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. બીજી તરફ, કચ્છમાં હેરોઈન જેવા ડ્રગ્સના દાનવનો જે રીતે પગપેસારો થઈ રહ્યો છે તે જોતાં લોકોમાં જનજાગૃતિ કેળવાય તે માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન આવશ્યક જણાઈ રહ્યું છે.

નોકરી માટે કંડલા જઈ રહ્યાનું કહી શેખપીર પાસેના ગેસ્ટહાઉસના એક રૃમમાં સાચા નામથી રોકાયા હતા

ભુજથી ૯ અને માધાપરથી છ કિલોમીટર દૂર શેખપીર પાસે આવેલા હરભોલે ગેસ્ટહાઉસમાં ઉતર્યા હતા. ભુજથી જતો આ સર્કલથી એક રસ્તો ભચાઉ થઈ અને બીજો રસ્તો અંજાર થઈ ગાંધીધામ જાય છે. પંજાબથી ડ્રગ્સ લઈને આવેલા પાંચ શખ્સો હરપ્રિતના નામથી હોટલમાં ઉતર્યા હતા અને કંડલા જઈ રહ્યાનું જાહેર કર્યું હતું. જોબ  માટે આવ્યા છે તેવું લખ્યું હતું. રૃમ નંબર ૧૦૭. તા. ૧૧ના રાતે ૧૦-૫૦ આવ્યાં અને તા. ૧૨ના સાંજે ૫-૧૦ વાગ્યે નીકળ્યા હતા. આ ટોળકીના સૂત્રધાર હરપ્રિતસિંઘના નામે રૃમ બૂક કરવામાં આવી હતી. આરોપીઓ સાચા નામથી જ ગેસ્ટહાઉસમાં રોકાયા હતા.

સૂત્રધાર સરતાજસિંઘ સામે અનેક ગુના અને વોન્ટેડ છેઃ ડ્રગ્સ લાવનાર હરપ્રિતની ઉંડી તપાસ

ડ્રગ્સની હેરાફેરી કરતાં પકડાયેલી ટોળકીના સૂત્રધાર તરીકે સરતાજસિંઘનું નામ પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું છે. સરતાજસિંઘ સામે પંજાબના તરનતારન જિલ્લામાં લૂંટ, ચોરી, આર્મ્સ એક્ટ, એક્સ્ટોર્શન સહિતના અનેક ગુના છે અને અમુક ગુનામાં તે વોન્ટેડ છે. પશ્ચિમ કચ્છ પોલીસે તરનતારન પોલીસનો સંપર્ક પણ કર્યો છે. આરોપીઅ દિલ્હીની નંબરપ્લેટ લગાવેલી બ્રિજા કારમાં આવ્યાં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.સાથે જ ડ્રગ્સ લાવનાર હરપ્રિતની પણ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નોકરીના બહાને પંજાબથી ૧૨૦૦ કિ.મી. નોન-સ્ટોપ ડ્રાઈવીંગ કરી ભુજ પહોંચ્યાં

ડ્રગ્સનો જથ્થો લઈને પાંચેય શખ્સો તા. ૧૦ના રોજ પંજાબથી નીકળ્યાં હતાં. પંજાબથી દિલ્હી, રાજસ્થાન, પાલનપુર – રાધનપુર હાઈવે થઈ આરોપીઓ ભુજ પહોંચ્યા હતા. સતત ૧૨૦૦ કિલોમીટર નોન-સ્ટોપ ડ્રાઈવીંગ કરી આરોપી ડ્રગ્સની ડિલીવરી કરીને તરત જ પાછા ફરવાના હોવા અંગે પણ તપાસ ચાલે છે.

ખાનગી કારમાં વોચ ગોઠવીને નેત્રદિપક કામગીરી કરનાર ૨૦ પોલીસકર્મીના વિશેષ સન્માન થશે

ડ્રગ્સનું ઓપરેશન પાર પાડવા માટે ભુજ ડીવાય.એસ.પી. આર.ડી. જાડેજા, એસઓજી પી.આઈ. વી.વી ભોલા, એલસીબી પી.આઈ. એસ. એન. ચુડાસમા અને પીએસઆઈ એન.ડી. જાડેજાના નેજાતળે પાંચ ટીમો વોચમાં ગોઠવાઈ હતી. આ ટીમોમાં એએસઆઈ ઘનશ્યામસિંહ જાડેજા, દિનેશભાઈ ગઢવી, હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, રજાકભાઈ સોતા, નરેન્દ્રસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, ગોપાલભાઈ ગઢવી, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મહિપતસિંહ સોલંકી ઉપરાંત ભુજ એલસીબીના બલભદ્રસિંહ રાણા, સુરેન્દ્રસિંહ ઝાલા, નવીનકુમાર જોષી અને શક્તિદાન ગઢવીએ કામગીરી કરી છે. ઉચ્ચ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, સામાજીક હીતમાં નેત્રદિપક કામગીરી કરનાર પાંચ ટીમના ૨૦ પોલીસ કર્મચારીના ખાતાકીય અને સામાજીક રીતે વિશેષ સન્માન કરવામાં આવશે.

Leave a comment