રાપરની ગુમ થયેલી બાળકીનું પરિવાર સાથે મિલન

વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરના હાર્દસમા દેનાબેંક ચોક ખાતે આજે સવારે નવ વાગ્યાના અરસામાં નગર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી ટીમને ફરજ દરમિયાન એક નાનકડી ચાર વર્ષની બાળકી રડતી હાલતમાં જોવા મળી હતી. બાળકીને કર્મીઓએ વિશ્વાસમાં લઇ શાંત પાડી પરિવાર વિશેની માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. બાળકીને પણ કાલીઘેલી ભાષામાં પરિવારનું વિવરણ કરતા પોલીસે માતા પિતા ને શોધવા ભારે જહેમત લીધી હતી. અંતે બપોરનાં સમયે પોલીસને બાળકીના માતા પિતાનો પત્તો માલૂમ થતા બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

સામે આવેલી વિગતો મુજબ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મુકેશસિંહ રાઠોડ અને ટીઆરબી જવાનો એ તેને વિશ્વાસ મા લઈ તેના માતાપિતાનુ અને પોતાનુ નામ પુછ્યું ત્યારે બાળા પપ્પાનુ નામ કમલેશભાઈ અને માતાનુ નામ રેખાબેન જણાવ્યું હતું. તેઓ ખેતરમા રહે છે એમ જણાવેલ ત્યારે નાનકડી બાળકીને ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોએ સમગ્ર શહેરમાં બે કલાક સુધી બાઈક પર લઈ તપાસ કરી હતી. પરંતુ તેના વાલીનો અતો પતો લાગ્યો ન હતો ત્યારે પોલીસ મથકે લાવી નાસ્તો પાણી આપી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવીએ બાળાને પુછપરછ કરી હતી. ત્યારે પણ તે ઉપરોક્ત નામ બતાવી રહી હતી ત્યારે રાપર પોલીસ મથક ના ડી સ્ટાફના મુકેશ ભાઈ ચાવડા અને મુકેશસિંહ રાઠોડ મહેશ પટેલ સહિતનાને રાપર શહેરમા જુદી જુદી જગ્યાએ તપાસ કરવા માટે જણાવ્યું હતું.

રાપર શહેરના વહોટસઅપ ગૃપમા ઉપરોક્ત વિગતો સાથે ફોટો શેર કરવામા આવ્યો હતો. ત્યારે છોકરીની માતા રેખાબેન કમલેશ વાંઝા બપોરે અઢી વાગ્યે રાપર પોલીસ મથકે પોતાની છોકરી જાનકી ને લેવા માટે આવી હતી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા છોકરી મમ્મી મમ્મી કરી ને ગળે વળગી પડી હતી ત્યારે રાપર પોલીસ ના ઉપસ્થિત કર્મચારીઓ ભાવુક બની ગયા હતા આમ રાપર પોલીસ દ્વારા એક ગરીબ પરિવાર કે જે કંથડધાર ખાતે આવેલા એક ખેતર ની બાજુ મા રહે છે નાનકડી બાળકી ને માતા પિતા સાથે મિલન કરાવી રાપર પોલીસે માનવતા નુ ઉમદા કાર્ય કર્યું હતું.

Leave a comment