ગુડઝ અને સર્વિસ ટેક્સ પરિષદે આજે એક મહત્ત્વની જાહેરાત કરતાં તમામ ઓનલાઇન ગેમિંગ કંપની, હોર્સ રેસિંગ અને કેસીનોના ટર્નઓવર પર 28 ટકા ટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો. જો કે, સિનેમા હોલમાં ખાવાનું સસ્તું થવા સહિતના નિર્ણયો લેવાયા હતા એમ નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું.
દરમ્યાન, જીએસટી કાઉન્સિલની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નાણામંત્રીની અધ્યક્ષતામાં મળેલી 50મી બેઠક દરમ્યાન વિપક્ષોએ 50 જેટલા પગલાંઓ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બેઠકમાં ફિલ્મરસિકોને રાહત મળે તેવા નિર્ણયમાં સિનેમાગૃહોમાં પીરસવામાં આવતાં રિફ્રેશમેન્ટ એટલે કે નાસ્તા અને ઠંડાપીણા સહિતની ખાદ્યચીજો ઉપર જીએસટી 18 ટકાથી ઘટાડીને પ ટકા કરી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઈમિટેશન ઉદ્યોગને રાહત મળે તેવા નિર્ણયમાં ઝરી ધાગા ઉપર જીએસટી ઘટાડીને 12 ટકામાંથી પાંચ ટકા કરાયો છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સામેલ થયા હતા. આ બેઠક બાદ સીતારામને જણાવ્યું હતું કે, ચાર આઈટમ ઉપર જીએસટી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત રાંધ્યા વિનાની આઈટમ ઉપર જીએસટી 18 ટકાથી ઘટાડીને પ ટકા કરી નાખવામાં આવ્યો છે. તો ઈમિટેશન, ઝરી અને દોરા ઉપર પણ 12 ટકામાંથી પાંચ ટકા જીએસટી કરવામાં આવ્યો છે. ઓટો સેક્ટર માટે પણ મોટો નિર્ણય લેવાયો છે અને તેમાં સેડાન કાર ઉપર 22 ટકા સેસ હવેથી નહીં લાગે.
જીએસટી કાઉન્સિલે કેન્સરની દવા ડિનુટુક્સિમાબ અને વિશેષ ચિકિત્સા હેતુના ખોરાક (દવા) એટલે કે એફએસએમપીની આયાત ઉપર જીએસટીમાંથી મુક્તિને પણ મંજૂરી આપવામાં આવી છે. આવી દવાઓનો ઉપયોગ દુર્લભ પ્રકારની બીમારોઓના ઉપચારમાં થતો હોય છે. દરમ્યાન, આ બેઠક શરૂ થવાની સાથે જ પીએમએલએ કાયદામાં લાવવાના નિર્ણયનો પણ?વિરોધ શરૂ?થયો છે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વિટ?કરીને જણાવ્યું કે, કેન્દ્ર સરકારે જીએસટીને પણ પીએમએલએ કાયદા તળે ઇડી અંતર્ગત લાવી દીધા છે. હવે કોઇ?વેપારી જીએસટી નહીં ભરે તો સીધી મની લોન્ડરિંગ તળે ધરપકડ કરાશે.
