રાષ્ટ્રિય દિવસે યોજાનારી પરેડને બેસ્ટિલ ડે પરેડ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રાંસના લોકો સમક્ષ યોજાનારી પરેડમાં ભારતીય સેના, વાયુસેના અને નૌસેના એમ ત્રણે પાંખની ટુકડીઓ હિસ્સો લેવાની છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાની ટુકડીની આગેવાની મહિલા હેલિકોપ્ટર પાયલોટ લેશે.
આ પરેડમાં પીએમ મોદી વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. ભારતના અધિકારીઓનુ કહેવુ છે કે, વાયુસેનાની આગેવાની સ્કવોડ્રન લીડર સિંધુ રેડ્ડી કરશે. સિંધુ રેડ્ડી એમઆઈ 17 હેલિકોપ્ટર પાયલટ છે. તેઓ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલી પરેડમાં પણ વાયુસેનાનુ નેતૃત્વ કરી ચુકયા છે.
ભારતીય સેનાની ત્રણે પાંખોના કુલ 269 સભ્યો ગુરુવારે વાયુસેનાના બે વિમાનો થકી પેરિસ જવા માટે રવાના થયા હતા. ભારતીય વાયુસેનાના ચાર રાફેલ જેટ પણ ફ્રાંસના ફાઈટર જેટ્સ સાથે આ પરેડનો હિસ્સો બનવાના છે.
ભારતનુ કહેવુ છે કે, ભારત અને ફ્રાંસની સેના વચ્ચે પહેલા વિશ્વયુધ્ધના સમયથી જોડાણ છે. પહેલા વિશ્વ યુધ્ધમાં ભારતના 13 લાખ સૈનિકોએ ભાગ લીધો હતો અને 74000 ભારતીય સૈનિકોએ બલિદાન આપ્યુ હતુ. ભારતના સૈનિકોએ બહાદુરીથી ફ્રાંસની જમીન પર લડાઈ લડી હતી.
