જી.કે.જન.અદાણી હોસ્પિ.ના આયુર્વેદ તબીબે  ભેજ અને બફારાથી થતા વિકાર અંગે થતા અજીર્ણ સામે કર્યા સાવચેત

~ વર્ષાઋતમાં વાયુ પિત્ત પ્રકોપથી બચવા ગરમ અને હળવો ખોરાક લેવો હિતાવહ

~ વરસાદી સિઝનમાં “ઉની-ઉની રોટલી અને કારેલાનું શાક”, ઉકિતમાં છે સ્વાસ્થ્યનું મહત્વ

ચોમાસુ બેસી ગયું છે. વરસાદ અનેરો આનંદ તો લાવે છે, પરંતુ સાથે સાથે અનેક પ્રકારના રોગ પણ લાવે છે. આ ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણને લીધે ઘણા પ્રકારના રોગ થઈ શકે છે. આયુર્વેદના મતે વરસાદી સિઝનમાં ભેજ અને બફારાને  કારણે વિકાર થાય છે. અપચાની બીમારી થાય છે. 

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં રાજ્ય સરકાર પ્રેરિત ચાલતા આયુર્વેદ ઓપીડીમાં વર્ષાઋતુ સંબંધિત પેટની બીમારી અને તાવ અંગે  આયુર્વેદ તબીબ ડોક્ટર પિયુષ ત્રિવેદીએ કહ્યું કે, વરસાદના વાતાવરણમાં વાયુનો પ્રકોપ થવો સ્વભાવિક છે. શરૂઆતથી વરસાદની સિઝનમાં ભેજ અને બફારાને કારણે અપચો થાય છે, ત્યારે ગરમ પરંતુ પચવામાં હલકું ભોજન લેવું હિતાવહ હોય છે. વળી ચોમાસામાં પિત્તનો પ્રકોપ થવાથી પિત્તનો સંચય થવા લાગે છે, ત્યારે સ્વાદમાં કડવો રસ ધરાવતા શાકભાજી પિતનું શોધન કરે છે. આયુર્વેદ અનુસાર કારેલાં ઉપયોગી શાકાહાર છે. 

એટલે જ ચોમાસાની ઋતુમાં એક જોડકણું પ્રચલિત છે, “ઉની ઉની રોટલી અને કારેલાનું શાક” એ ઉક્તિમાં ચોમાસાના વરસાદી વાતાવરણમાં સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું અને રોગ થાય તો તેને દૂર કરવા માટે ઉપાય સૂચિત છે. આ સિઝનમાં ગાજવીજ સાથે વરસાદની હેલી થાય છે, એટલે અતી અને અકાળે કરાતા ભોજનના અજીર્ણથી શરીરમાં આમદોષ થાય છે. તેથી તાવ પણ આવે છે. 

આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્રમાં સાકર પણ પિત શામક હોઈ જવરહર તરીકે તેને દર્શાવાઈ છે, ઉપરાંત ચોમાસામાં ઉપવાસનું પણ આયુર્વેદમાં મહત્વ આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન વિકમાં એકાદ  ઉપવાસ કરવામાં આવે તો શરીરમાં ખોરાકનું બરાબર પાચન થાય છે.  હળવા ખોરાક લેવાથી પણ આ ઋતુમાં મંદ થયેલી પાચનશક્તિ  ઠીક થાય છે.   

વરસાદમાં આ ઉપરાંત મેલેરિયા, ડેન્ગ્યુ જેવા તાવ આવે છે, જે મચ્છરના કરડવાથી થાય છે. ઘરની આસપાસ ભરાયેલાં પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે,માટે પાણી ન ભરાય તેની પણ કાળજી લેવી જરૂરી છે. ચોમાસામાં ઘણીવાર ટાઇફોડ થવાની શક્યતા પણ વધી જાય છે.વરસાદી ઋતુમાં બહારનું ભોજન લેવાનું ટાળવું જોઈએ.આ સિઝનમાં માખીનો ઉપદ્રવ પણ વધતો હોવાથી ખાદ્ય પદાર્થો ઉપર માખી ન બેસે તે રીતે જાળવવા જોઈએ.

Leave a comment