આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહીની મોદીની હાકલ

વડાપ્રધાન મોદીએ મંગળવારે એસસીઓ (શાંઘાઈ સહયોગ સંગઠન)ની બેઠકમાં સામેલ થતાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની ઉપસ્થિતિમાં આતંકવાદ મુદ્દે આકરો સંદેશો આપ્યો હતો. આતંકવાદને પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે ખતરો ગણાવતા વડાપ્રધાન મોદીએ આ જોખમ સામે એક થઈને લડવાની હાકલ કરી છે.

તેમણે જણાવ્યું હતું  કે, કેટલાક દેશ સરહદ પાર આતંકવાદને પોતાની નીતિઓનાં હથિયાર રૂપે ઉપયોગ કરે છે, આતંકવાદીઓને શરણ આપે છે. એસસીઓએ આવા દેશોની નિંદા કરવામાં કોઈ સંકોચ રાખવો જોઈએ નહીં. તેની સામે બેવડું વલણ અપનાવવું જોઈએ નહીં. આતંકવાદના પડકારનો સામનો કરવા નિર્ણાયક કાર્યવાહીની જરૂર છે. આતંકવાદ કોઈપણ રૂપમાં હોય તેના વિરુદ્ધ સાથે મળી લડાઈ લડવી જોઈએ. વર્ચ્યુઅલ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની  પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ત્રાસવાદનો ખાતમો એ એસસીઓની પ્રાથમિકતા હોવી જોઈએ. દુનિયાએ અમારી સામે હાઈબ્રિડ યુદ્ધ છેડયું છે.

એસસીઓની બેઠકમાં ડિજિટલ માધ્યમથી સામેલ થઈ વડાપ્રધાન મોદીએ શિખર સંમેલનને સંબોધ્યું હતું. બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ સામેલ થયા હતા. જિનપિંગે અમેરિકા પર પરોક્ષ પ્રહારો કર્યા હતા અને ડોલરને ત્યાગવાનો પ્રસ્તાવ મૂકયો હતો. જો કે જિનપિંગે ચીન-પાકના આર્થિક કોરિડોરનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, આતંકવાદ અને ટેરર ફાયનાન્સિંગનો સામનો કરવા માટે નિર્ણયાત્મક કાર્યવાહીની જરૂર છે. તેમણે કહ્યું કે, આતંકવાદ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે જોખમી બની ગયો છે. આ જોખમનો સામનો કરવા માટે પરસ્પર સહયોગ વધારવાની જરૂર છે. આપણે સાથે મળીને આતંકવાદ સામે લડવું પડશે, પછી ભલે એ કોઇપણ પ્રકાર કે સ્વરૂપે હોય. વડાપ્રધાને એમ પણ કહ્યું કે, અફઘાનિસ્તાન બાબતે ભારતની ચિંતા અને અપેક્ષાઓ મોટા ભાગના એસસીઓ દેશો જેવી જ છે.

અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ અન્ય દેશોમાં અસ્થિરતા ફેલાવવા કે ઉદ્દામવાદીઓની વિચારધારાને પ્રોત્સાહન આપવા ન થવો જોઈએ. વિવાદો, તણાવો અને રોગચાળાથી ઘેરાયેલી આ દુનિયાના તમામ દેશો માટે અન્ન, ઈંધણ અને ખાતરની અછત મોટો પડકાર છે. છેલ્લા બે દાયકામાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમગ્ર યુરેશિયા ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ મંચ તરીકે ઊભરી આવ્યું છે, એવું તેમણે ઉમેર્યું. ભારતે એસસીઓના અધ્યક્ષ તરીકે ઓર્ગેનાઈઝેશનના બહુમુખી સહયોગને નવી ઊંચાઈએ લઈ જવા માટે નિરંતર પ્રયાસ ર્ક્યા છે, એમ કહીને વડાપ્રધાને ઉમેર્યું કે ભારતે એસસીઓમાં સહયોગ માટે પાંચ નવા સ્તંભ બનાવ્યા છે, એ છે સ્ટાર્ટઅપ્સ ઍન્ડ ઈનોવેશન, ટ્રેડિશનલ મેડિસિન, યુથ એમ્પાવર્મેન્ટ, ડિજિટલ ઈન્ક્લુઝન અને શેઅર્ડ બુદ્ધિસ્ટ હેરિટેજ.

એસસીઓ દેશોની યુવા પ્રતિભાઓનો યોગ્ય ઉપયોગ કરવા માટે યંગ સાયન્ટિસ્ટ કોન્કલેવ, અૉથર્સ કોન્કલેવ, સ્ટાર્ટઅપ ફોરમ અને યુથ કાઉન્સિલ સહિત નવાં પ્લૅટફૉર્મ સંગઠિત કરાયાં છે. આ પ્લૅટફૉર્મનો ઉદ્દેશ એસસીઓના દેશોના યુવા વર્ગની ક્ષમતાને યોગ્ય માર્ગે વાળવાનો અને તેમને અર્થપૂર્ણ તક ઉપલબ્ધ કરવાનો છે. ભારત શાંઘાઈ કો-અૉપરેશન અૉર્ગેનાઈઝેશનમાં સુધારણા અને આધુનિકીકરણના પ્રસ્તાવોનું સમર્થન કરે છે.  

Leave a comment