વરસાદના વિરામ સાથે કચ્છમાં ભેજના વધેલા પ્રમાણના લીધે છેલ્લા ત્રણેક દિવસથી બફારાથી જનજીવન બેહાલ બન્યું છે. ઉકળાટથી આકુળવ્યાકુળ જનજીવનને રાહત આપતી આગાહી કરતાં હવામાન વિભાગે ગુરુવારથી ચારેક દિવસ વરસાદ વરસવાની સંભાવના દેખાડી છે.
કચ્છ માટે ભારે વરસાદની કોઈ ચેતવણી જારી કરાઈ નથી, પણ જિલ્લામાં કેટલાક સ્થળે ભારે વર્ષા વરસે તેવી શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા દેખાડવામાં આવી છે. ભુજમાં સતત બીજા દિવસે મહત્તમ પારો 36 ડિગ્રીથી ઉપર રહેતાં બપોરના સમયે ગરમી- ઉકળાટે લોકોને પરસેવે રેબઝેબ કર્યા હતા.
સવારે 81 અને સાંજે 62 ટકા જેટલા ઉંચા ભેજના પ્રમાણ સાથે લઘુતમ તાપમાન પણ 27 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા દિવસની સાથે રાત્રિ પણ ઉકળાટભરી પસાર થઈ હતી. 36.3 ડિગ્રીએ ભુજ અમદાવાદ પછી રાજ્યનું બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. કંડલા એરપોર્ટમાં 3પ.3, નલિયામાં 3પ.2 અને કંડલા પોર્ટમાં 34.2 ડિગ્રીએ ઉકળાટનો દોર જળવાયેલો રહ્યો હતો. ચોમાસાંના આરંભે ભારે વરસાદે કચ્છના અનેક વિસ્તારોને ધમરોળ્યું છે. ત્યારે ચારેક દિવસના અલ્પ વિરામ બાદ ફરી વરસાદના સાર્વત્રિક રાઉન્ડ માટેનો અનુકુળ માહોલ ઊભો થઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુરુથી શનિ સુધી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કેટલાક સ્થળે આ વરસાદનું જોર થોડું ભારી રહે તેવી પણ શક્યતા દેખાડાઈ છે. હવામાન વિભાગની સાથે ખાનગી હવામાન એજન્સી દ્વારા પણ વરસાદ માટેનો સાનુકુળ વર્તારો આપવામાં આવ્યો છે.
