~ પોલીસે આરોપી ટેન્કર ચાલકને સ્થળ પરથી પકડી પાડ્યો હતો
ભારતીય ટીમના પૂર્વ ખેલાડી પ્રવીણ કુમાર ગઈકાલે મોડી રાત્રે મેરઠ શહેરમાં પોતાની કારમાં જતા સમયે અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમની કારને એક સ્પીડમાં આવતા ટેન્કરે ટક્કર મારી હતી. તે સમયે પ્રવીણ સાથે તેમનો પુત્ર પણ કારમાં હતો અને અકસ્માતમાં બંને માંડ-માંડ બચ્યા હતા. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે આરોપી ટેન્કર ચાલકને સ્થળ પરથી પકડી પાડ્યો હતો.
પ્રવીણ કુમાર અને પુત્ર સંપૂર્ણપણે સુરક્ષિત છે
પ્રવીણ કુમાર 4 જુલાઈના રોજ રાત્રે લગભગ 10 વાગ્યે મેરઠના પાંડવ નગરથી તેમની કારમાં આવી રહ્યા હતા. આ પછી, જ્યારે વાહન કમિશનરના નિવાસસ્થાન પાસે પહોંચ્યું ત્યારે તે જ સમયે તેમની કાર ટેન્કર સાથે અથડાઈ હતી. આ પછી કારને ખરાબ રીતે નુકસાન થયું હતું. જ્યારે આ અકસ્માતમાં પ્રવીણ અને તેનો પુત્ર માંડ માંડ બચ્યો હતો. અકસ્માત બાદ સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટેન્કર ચાલકની અટકાયત કરી હતી. આ અકસ્માત અંગે સીઓએ જણાવ્યું કે પ્રવીણ કુમાર અને પુત્ર સંપૂર્ણપણે સુરક્ષિત છે. પ્રવીણ કુમારનું ઘર મેરઠ શહેરના બાગપત રોડ પર સ્થિત મુલતાન નગરમાં છે.
આવું હતું પ્રવીણ કુમારનું આંતરરાષ્ટ્રીય કરિયર
પ્રવીણ કુમાર એક સમયે ભારતીય ક્રિકેટ ટીમ માટે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં મુખ્ય બોલરની ભૂમિકા ભજવતો હતો. વર્ષ 2008માં જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં સીબી સિરીઝ જીતી હતી ત્યારે તેમાં પણ પ્રવીણ કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવીણ કુમારને ભારતીય ટીમ તરફથી 68 વનડે, 10 T20 અને 6 ટેસ્ટ મેચ રમવાની તક મળી છે. જેમાં પ્રવીણે વનડેમાં 77, T20માં 8 અને ટેસ્ટમાં 27 વિકેટ ઝડપી છે. આ સિવાય IPLની 119 મેચોમાં પ્રવીણ કુમારના નામે 90 વિકેટ નોંધાયેલી છે.
