આદિપુર ખાતે રાજ્યસ્તરની ટીટી સ્પર્ધા

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસો.ના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એઁસો. દ્વારા યોજાયેલી ઇન્ડિયન ઓઇલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કીંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં મેન્સ સિંગલ્સમાં અમદાવાદના ધૈર્ય પરમારે સપાટો બોલાવી વિજેતા થયા હતા. તો રાધાપ્રિયા ગોયલે વિમેન્સ સિંગલ્સમાં ટાઇટલ હાંસલ કર્યું હતું.

આદિપુરનાં હરેશ સંગતાણી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સ્વ. એમ.પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચો રસાકસી ભરી રહી હતી. રોમાંચભરી આ મેચોમાં અન્ડર 19માં બુરહાનુદિને અરાવલીના અરમાન શેખને હરાવી વિજય હાંસલ કર્યો હતો. અમદાવાદની મૌબોતી ચેટર્જીએ ટુર્નામેન્ટમાં બે ટાઇટલ પોતાના નામે કર્યા હતા. અન્ડર-15માં તેણે જીયા ત્રિવેદીને હરાવી તથા અન્ડર-17માં અરણી પરમારને મ્હાત આપી તેણે ટાઇટલ જીત્યા હતા.

જ્યારે અન્ડર 19માં ઓઇશિકી જોઆરદાર સામે તે હારી ગઇ હતી અને ઓઇશિકીએ તેને 4-3થી પછડાટ આપી હતી ગર્લ્સ અન્ડર-11માં સુરતની તનિશા ડેપ્યુટી, અન્ડર-11 બોયઝમાં અંશ ખામર, અન્ડર-13 બોયઝમાં જેનિલ પટેલ, અન્ડર-13 ગર્લ્સમાં ડાનિયા ગોહિલ, અન્ડર-15 બોયઝમાં માનવ પંચાલ, અન્ડર-17 બોયઝમાં આયુશ તન્નાએ ખિતાબ જીત્યા હતા.

આ ટુર્નામેન્ટના સમાપન વેળાએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઇ કાનગડ, કે.ડી. ટી.ટી.એ.ના પ્રમુખ તુલસી સુઝાન તથા વિમલ ગુજરાલ તથા જીતેન્દ્ર સિંઘવી, કિરીટ ધોળકિયા, કુશલ સંગતાણી, મનિષ હિંગોરાણી, મહેશ તીર્થાણી વગેરેએ હાજર રહી વિજેતાઓને પ્રગતિ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a comment