~ સ્વામિનારાયણ બાપ્સ સંસ્થા ભુજ,અદાણી જૂથ મુન્દ્રાના કર્મીઓ,નલિયા કોસ્ટગાર્ડનું યોગદાન
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં સતત હાથ ધરાતા ઓપરેશન અને ઇમરજન્સીમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા અત્રેની બ્લડ બેન્ક દ્વારા જૂન માસમાં ૧૨૯૬ યુનિટ અર્થાત ૪.૫૩ લાખ સીસી બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં ૮૬૬ યુનિટ લોહી,વિવિધ રક્તદાન કેમ્પ અને ૪૩૦ યુનિટ સ્થાનિક જી.કે. બ્લડ બેન્ક હેઠળ મેળવવામાં આવ્યું હતું
હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા જી.કે.માટે આવશ્યક લોહીનો જથ્થો હાથવગો રાખવા રક્તદાન કેમ્પ મારફતે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી લોહી ભેગું કરવામાં આવે છે. જૂન માસમાં સ્વૈચ્છિક રક્તદાતા દિવસ અને અદાણી જૂથના ચેરપર્સનશ્રી ગૌતમ અદાણીના જન્મદિવસ નિમિત્તે ઇનહાઉસમં અને કેમ્પનું આયોજન કરી, જરૂરી યુનિટ લોહી ભેગું કરવામાં આવ્યું હતું. એમ, બ્લડ બેન્કના હેડ ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાયએ જણાવ્યું હતું.
બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલ અને સીની.રેસી.ડૉ. પૂજા કાથરોટીયાના જણાવ્યા અનુસાર, ગત માસ દરમિયાન કચ્છ ઉપર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાંની આગાહીનો સંદેશો પ્રાપ્ત થવાની સાથે જ સંભવિત અકસ્માત, શારીરિક ક્ષતિ કે કોઈ આરોગ્યની સમસ્યા સર્જાય અને લોહીની જરૂર પડે તો તે માટે આયોજનના ભાગરૂપે વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં અદાણી સોલાર ના કર્મચારીઓએ અને ભુજ સ્વામિનારાયણ બાપ્સ સંસ્થાના શ્રીસાધુ વિવેક મંગલદાસ કોઠારી સ્વામીની ટહેલના પગલે ૧૫મીએ હરિભક્તોએ ખાસ રક્તદાન કર્યું હતું.
આ ઉપરાંત મુન્દ્રા અને નલિયા ખાતે ૬ કેમ્પ યોજી બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં અદાણી પાવર દ્વારા ૩૭૪, અદાણી સોલાર મુન્દ્રા મારફતે ૨૬૦, ઓલ કારગો મુન્દ્રાએ ૮૦, શાંતિવન અને સમુદ્ર મુન્દ્રા કોલોની તરફથી ૫૭, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નલિયાનું ૪૧ યુનિટ અને સી.એફ.એસ.ના ૫૪ યુનિટ યોગદાન સાથે કુલ ૮૬૬ યુનિટ રક્ત ભેગું થયું હતું.
