~ ગુજરાતમાં જી.કે.જન.અદાણી હોસ્પિ.નો ઈ.એન.ટી. વિભાગ એક માત્ર એવો,જ્યાં કાન,નાક,ગળા સબંધી કેન્સર, ન્યુરો,પ્લાસ્ટિક સર્જરી થાય છે
~ ડો. હિરાણીએ જી.કે. માં ૨૦ વર્ષની સુદીર્ઘ કારકિર્દીમાં ૧૫૦૦૦ જેટલી જટિલ શસ્ત્રક્રિયા કરી
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ચીફ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ તરીકે પ્રવૃત્ત અને આ જ હોસ્પિટલમાં ઇ.એન.ટી સર્જન તરીકેની સફળ અને સુદીર્ઘ કારકિર્દી ને ધ્યાને લઈ કચ્છ યુનિવર્સિટીએ ડોક્ટર નરેન્દ્ર હિરાણીને મેડિકલ ફેકલ્ટી ડીન તરીકે પદભાર આપ્યો છે.
બીજી તરફ ગુજરાત રાજ્ય ઇ.એન.ટી એસોસિએશના રાજ્ય સ્તરના અધ્યક્ષ બનતા તેમની કારકિર્દીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. ૪૦ વર્ષ બાદ કચ્છના કાન,નાક,ગળાના તબીબની નિમણૂક થતા કચ્છને આગામી દિવસોમાં ભારત ભરના ઇ.એન.ટી. તજજ્ઞોના જ્ઞાનનો રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ મારફતે જિલ્લાને માર્ગદર્શન મળશે, જેથી આ સેવા વધુ સુદ્રઢ બનશે. ડોક્ટર હિરાણીએ કહ્યું કે, કચ્છના ઇ.એન.ટી. તબીબોના પ્રયત્નોથી જ આ સન્માન મળ્યું છે.
આ બંને કાર્યભાર પાછળ જી.કે. જનરલ હોસ્પિટલમાં તેમની એકધારી ૨૦ વર્ષની સળંગ સેવા અને ફરજ દરમિયાન ૧૫૦૦૦ જેટલી જટિલ શસ્ત્ર ક્રિયાનો ફાળો વિશેષ રહ્યો છે.
જી.કે.જનરલ હોસ્પિટલના વરિષ્ઠ તબીબ ડો. હિરાણીએ કહ્યું કે, હેલ્થ કેર ગ્રુપ ઓફ અદાણીએ જી.કે.નો કાર્યભાર સંભાળ્યો ત્યારથી અને તે પૂર્વે મળીને આ જ હોસ્પીટલમાં સળંગ ૨૦ વર્ષથી તેઓ સેવા આપી રહ્યા છે, ફરજ દરમિયાન ઇ.એન.ટી. વિભાગના સામાન્ય ઉપરાંત કેન્સરના જટિલ ઓપરેશન, પ્લાસ્ટિક સર્જરી અને ન્યુરોસર્જરી કરી છે. કચ્છમાં ૨૦ વર્ષ પહેલા કાન નાક અને ગળાના જટિલ કેસ અમદાવાદ રાજકોટ રીફર કરાતા, પરંતુ હવે આવું ભાગ્યે જ બને છે.
ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ગુજરાતમાં એકમાત્ર એવી હોસ્પિટલ છે, જ્યાં ઈ.એન.ટી. વિભાગ હસ્તકના કેન્સર, ન્યૂરો અને પ્લાસ્ટિક સર્જરી થાય છે. આ ઉપરાંત અત્રે મોઢાના તમામ ફ્રેક્ચર્સના ઓપરેશન, હોઠ, તાળવાની જન્મજાત ખોટ અને બીજી ખામીઓની પણ શસ્ત્રક્રિયા થાય છે. સાથે નાકમાંથી મગજનું પાણી લીક થવા જેવી અને સ્કેલબેઝડ ટ્યુમરના ઓપરેશન પણ અત્રે થાય છે એમ તેમણે કહ્યું હતું.
અત્રે કોક્લિયર ઇમ્પ્લાંટની શરૂઆત પણ તેમના કાર્યકાળ દરમિયાન થઈ શકી હતી. જેનો લાભ કચ્છના બહેરા-મૂંગા બાળકોને મળ્યો છે. એટલું જ નહીં, આ સુવિધા રાજકોટ જામનગરને બદલે કચ્છને અગ્રતા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે. ડો.હિરાણીએ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ઈ.એન.ટી. સર્જન તરીકે ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો છે.
ઉપરાંત, કચ્છ ઉપર જ્યારે જ્યારે આફત આવી હોય ત્યારે સેવા આપવામાં અગ્રેસર રહ્યા છે. વિનાશકારી ભૂકંપ વખતે ઘવાયેલાઓની સારવાર કરવા અમદાવાદ સિવિલની મેડિકલ ટીમ સૌપ્રથમ ભુજ આવી ત્યારે એક તબીબી છાત્ર તરીકે એ ટીમમાં સામેલ થઈ જ્યુબિલી ગ્રાઉન્ડમાં સારવાર આપી હતી. કોરોના કાળમાં જી.કે.ની કામગીરીમાં મેડિકલ સુપ્રિ. અને એક તબિબ તરીકે ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૧૫ દરમિયાન સ્વાઈનફ્લ્યુની અસર વખતે પણ તેમણે પાછું વાળીને જોયું ન હતું.
